અમદાવાદઃ વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા મહત્વના ગંભીરા બ્રિજનું પુનઃનિર્માણ માત્ર 12 માસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. 858.75 મીટર લાંબા આ બ્રિજનું નિર્માણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. નવનિર્મિત બ્રિજનું 20 સપ્ટેમ્બરના રોજ વરણામા ખાતે યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લઈ તાત્કાલિક રાહત-બચાવ કામગીરી સાથે રાજ્યના અન્ય નાના-મોટા પુલોની પણ ચકાસણી હાથ ધરી હતી. મુજપુર અને ગંભીરાને જોડતા નવા બ્રિજના નિર્માણ માટે પણ ટૂંકા સમયમાં વહીવટી મંજૂરી આપવામાં આવી હતી અને ત્યારબાદ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
બ્રિજના પુનઃનિર્માણ દરમિયાન આંકલાવ અને પાદરા તરફના વિદ્યાર્થીઓ તેમજ નોકરિયાત વર્ગને પડતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજ પર લોખંડનું સ્ટ્રક્ચર ઉભું કરીને બાઇક વ્યવહાર ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો. આ કામગીરી માટે રૂ. 9 કરોડની મંજૂરી આપવામાં આવી હતી અને અંદાજે ત્રણ માસમાં સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું હતું.
નવા ગંભીરા બ્રિજના નિર્માણમાં દરિયાની ભરતી-ઓટ અને નદીના બદલાતા પ્રવાહને કારણે અનેક પડકારો હતા. તેમ છતાં આધુનિક ટેક્નોલોજી અને સતત કામગીરીના આધારે બ્રિજનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવ્યું છે. 858.75 મીટર લાંબા આ બ્રિજમાં કુલ 23 પિયર બનાવવામાં આવ્યા છે.
બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન રાજ્ય સરકારના સ્તરે નિયમિત સમીક્ષા કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ પાસેથી કામગીરીની પ્રગતિ અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપવામાં આવતી હતી. સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓને પણ સ્થળ પર કામગીરીનું સતત નિરીક્ષણ કરવા સૂચના આપવામાં આવી હતી.
હવે 20 સપ્ટેમ્બરે વરણામા ખાતે યોજાનારા કાર્યક્રમ દરમિયાન નવનિર્મિત ગંભીરા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. નવા બ્રિજના શરૂ થવાથી વડોદરા અને આણંદ જિલ્લાની વચ્ચેનો વાહનવ્યવહાર વધુ સુગમ બનવાની સાથે વિદ્યાર્થીઓ, નોકરિયાતો અને સ્થાનિક લોકોની અવરજવર પણ સરળ બનશે.










