ગાંધીનગર : બાળકોમાં નાની ઉંમરથી વધી રહેલા ટાઈપ-2 ડાયાબિટીસ અને અન્ય આરોગ્યલક્ષી સમસ્યાઓના જોખમને ઘટાડવા રાજ્યની તમામ શાળાઓમાં હવે ‘સુગર બોર્ડ’ સ્થાપિત કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR)ના નિર્દેશ અનુસાર વિદ્યાર્થીઓને વધુ પડતી ખાંડના સેવનથી થતા નુકસાન અંગે માહિતી અને જાગૃતિ આપવામાં આવશે.
શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ અંગે પરિપત્ર મોકલવામાં આવ્યો છે. શાળાઓમાં લગાવવામાં આવનાર સુગર બોર્ડમાં દૈનિક ખાંડનું યોગ્ય પ્રમાણ, વિવિધ સામાન્ય ખાદ્ય પદાર્થોમાં રહેલી ખાંડનું પ્રમાણ તેમજ વધુ પડતી ખાંડના સેવનથી થતા નુકસાન અંગે માહિતી દર્શાવવાની રહેશે.
NCPCRના અભ્યાસનો હવાલો આપતા જણાવાયું છે કે બાળકો અને કિશોરોમાં દૈનિક કેલરી તથા ખાંડના સેવનનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. શાળાઓની આસપાસ મળતા જંક ફૂડ, ઠંડા પીણાં, પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ તરફ બાળકોનું વધતું આકર્ષણ પણ આ સમસ્યાનું એક કારણ બની રહ્યું છે.
વધુ પડતી ખાંડના સેવનથી માત્ર સ્થૂળતાનું જોખમ જ નહીં, પરંતુ દાંતની સમસ્યાઓ અને મેટાબોલિક વિકૃતિઓનું જોખમ પણ વધી શકે છે. બાળપણથી જ ખાંડના વધુ પડતા સેવનને નિયંત્રિત કરવા માટે વિદ્યાર્થીઓમાં યોગ્ય ખોરાક અને આરોગ્ય અંગે જાગૃતિ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુગર બોર્ડ ઉપરાંત શાળાઓમાં સેમિનાર અને વર્કશોપનું આયોજન પણ કરવામાં આવશે. તેમાં વિદ્યાર્થીઓને ખાંડના યોગ્ય પ્રમાણ, ખાદ્ય પદાર્થોમાં રહેલી છૂપી ખાંડ અને વધુ પડતા સેવનથી થતા આરોગ્ય પરના પ્રભાવ અંગે સમજ આપવામાં આવશે.
આ પહેલનો હેતુ બાળકોમાં નાની ઉંમરથી જ સ્વસ્થ આહાર અંગે જાગૃતિ કેળવવાનો અને ભવિષ્યમાં ડાયાબિટીસ, સ્થૂળતા તથા અન્ય જીવનશૈલી સંબંધિત સમસ્યાઓના જોખમને ઘટાડવા માટે યોગ્ય આહારની ટેવ વિકસાવવાનો છે.










