ગાંધીનગર : ઇનોવેશન, ઇન્ટિગ્રેશન અને ઇન્ટરવેન્શનના માધ્યમથી રાજ્યમાં માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા સરકાર પ્રતિબદ્ધ છે, તેમ વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ ગાંધીનગર ખાતે યોજાયેલા ‘27th SAFE Annual Convention – Sustainable Mobility Expo’માં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વાહનમાં મુસાફરોની આંતરિક સુરક્ષા માટે એરબેગ, ABS અને EBD જેવી સિસ્ટમો મહત્વપૂર્ણ બની છે, ત્યારે પદયાત્રીઓ અને નાના વાહનચાલકોની બાહ્ય સુરક્ષા માટે પણ નવી નીતિઓ અને ટેક્નોલોજી અપનાવવાની જરૂર છે.
SIAM, SAFE, વાહન વ્યવહાર વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમની થીમ ‘સુરક્ષિત સફર : સુરક્ષા અને જવાબદારી તરફ એક સહિયારી યાત્રા’ રાખવામાં આવી હતી. મંત્રીએ જણાવ્યું કે માર્ગ અકસ્માતો અટકાવવા માત્ર કાયદા અને ટેક્નોલોજી પૂરતા નથી. નાગરિકોમાં સિવિક સેન્સ, પરસ્પર આદર અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની જવાબદારીની ભાવના વિકસાવવી પણ જરૂરી છે.
મોટા વાહનચાલકો નાના વાહનો તથા પદયાત્રીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવે તે માટે સામાજિક અભિગમમાં પરિવર્તન લાવવાની જરૂરિયાત પર તેમણે ભાર મૂક્યો હતો. ઓટોમોબાઇલ ઉત્પાદકો સમાજના પ્રભાવશાળી વ્યક્તિઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને માર્ગ સલામતી અંગે વ્યાપક જનજાગૃતિ અભિયાન ચલાવે તેવી પણ તેમણે હિમાયત કરી હતી.
માર્ગ સલામતીના માળખાકીય સુધારા અંગે મંત્રીએ ADAS સિસ્ટમ માટે યોગ્ય થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ, ડેશકેમ પોલિસી અને અકસ્માત સંભવિત બ્લેક સ્પોટ્સ દૂર કરવા માટે સ્પષ્ટ નીતિઓ ઘડવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. રાજ્યમાં 100 ટકા AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તથા ‘વિશ્વાસ’ અને ‘નેત્ર’ પ્રોજેક્ટ હેઠળ ઈ-ચલણના ફેસલેસ અમલીકરણની કામગીરીને પણ તેમણે બિરદાવી હતી.
કાર્યક્રમ દરમિયાન SIAMના **‘Context Paper – Analyzing India’s Imperatives for Road Safety’**નું વિમોચન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર ‘રોડ સેફ્ટી વોરિયર્સ’ને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત HMSI અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘અમદાવાદ રોડ સેફ્ટી પ્રોજેક્ટ’ તેમજ NID અને ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ‘ગાંધીનગર રોડ સેફ્ટી અવેરનેસ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મંત્રીએ ‘સસ્ટેનેબલ મોબિલિટી એક્સપો’નું ઉદ્ઘાટન કરી પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતિષ પટેલે જણાવ્યું હતું કે ભારતમાં દર વર્ષે આશરે 1.80 લાખ અને ગુજરાતમાં 8 હજારથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવે છે. આ પડકારનો સામનો કરવા વિવિધ વિભાગો, નિષ્ણાતો અને સ્ટેકહોલ્ડર્સે સંકલિત પ્રયાસો કરવા જરૂરી છે.
માર્ગ અને મકાન વિભાગના સચિવ પી. આર. પટેલિયાએ જણાવ્યું કે સુરક્ષિત રસ્તાઓ માટે માત્ર એન્જિનિયરિંગ પૂરતું નથી, પરંતુ નાગરિકોમાં જવાબદારી અને મનોવૈજ્ઞાનિક જાગૃતિ પણ જરૂરી છે. રાજ્યના 1.35 લાખ કિલોમીટરના રોડ નેટવર્ક પર વિવિધ પ્રકારના વાહનો તેમજ પશુઓની અવરજવર જેવા પડકારો વચ્ચે માર્ગ સલામતી માટે નવતર ઉકેલોની જરૂરિયાત છે.
પોલીસ અધિક્ષક સાહિત્યા વી.એ જણાવ્યું કે વર્તણૂકમાં પરિવર્તન માત્ર કાયદાના અમલ કે દંડથી નહીં, પરંતુ મનોવિજ્ઞાન, ફિલોસોફી અને ટેક્નોલોજીના સંકલનથી લાવી શકાય છે. ‘Life-Centric Road Intelligence’ના અભિગમ હેઠળ ટ્રકના બ્લાઇન્ડ સ્પોટ ઓળખવા ચારેય બાજુ સેન્સર્સ, રાત્રે રાહદારીઓ અને પ્રાણીઓની ઓળખ માટે થર્મલ કેમેરા તથા ટુ-વ્હીલર પાછળથી આવતા વાહનોની ઝડપ અંગે ચેતવણી જેવી ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે.
કાર્યક્રમમાં SIAMના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અતનુ ગાંગુલી, SAFEના અધ્યક્ષ તથા મારુતિ સુઝુકીના એક્ઝિક્યુટિવ ઓફિસર અલોક જેટલી, SAFEના વાઇસ પ્રેસિડેન્ટ વિનય ઢીંગરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સત્રોમાં ડેટા આધારિત અમલવારી, ટેક્નોલોજી, જવાબદારી, સલામત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટકાઉ મોબિલિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.










