અમદાવાદ : દેશના પ્રથમ અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ભારતની જાહેર ક્ષેત્રની કંપની BEML લિમિટેડને રૂ.5,400 કરોડથી વધુનો મોટો કોન્ટ્રાક્ટ મળ્યો છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા BEMLને હાઈ સ્પીડ રોલિંગ સ્ટોક એટલે કે બુલેટ ટ્રેનની સપ્લાય, જાળવણી અને સંબંધિત કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે.
આ કરારને દેશમાં હાઈ સ્પીડ રેલ માટે સ્વદેશી ઉત્પાદન ક્ષમતાના વિકાસની દિશામાં મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. BEML બેંગલુરુ સ્થિત પોતાના હાઈ સ્પીડ રેલ કોમ્પ્લેક્સમાં ભારતની પ્રથમ સ્વદેશી હાઈ સ્પીડ ટ્રેનનું નિર્માણ કરી રહી છે.
280 કિમી પ્રતિ કલાક સુધીની ટેસ્ટિંગ સ્પીડ
BEML દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી ટ્રેનની મહત્તમ ટેસ્ટિંગ સ્પીડ 280 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે, જ્યારે તેની નિયમિત ઓપરેશનલ સ્પીડ 250 કિમી પ્રતિ કલાકથી વધુ રહેવાની માહિતી આપવામાં આવી છે. ટ્રેનમાં હાઈ સ્પીડ મુસાફરીને અનુરૂપ અદ્યતન સલામતી, નિયંત્રણ અને અન્ય ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવશે.
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે હાઈ સ્પીડ ટ્રેનનો પ્રથમ કોચ તૈયાર થઈ ગયો છે અને તેનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મે-જૂન સુધીમાં ટ્રાયલ રન શરૂ કરવાની યોજના હોવાનું તેમણે જણાવ્યું હતું.
સુરત-વાપી વચ્ચેનો પ્રથમ ખંડ
અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોરની કુલ લંબાઈ આશરે 508 કિલોમીટર છે. પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સુરત અને વાપી વચ્ચેનો પ્રથમ વિભાગ ઓગસ્ટ 2027 સુધીમાં મુસાફરો માટે શરૂ કરવાની યોજના હોવાનું જણાવાયું છે. ટ્રેનોના સંચાલન અને જાળવણી માટે ગુજરાતમાં સુરત અને સાબરમતી તથા મહારાષ્ટ્રમાં થાણે ખાતે આધુનિક રોલિંગ સ્ટોક ડેપો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે.
રૂ.5,400 કરોડથી વધુના કોન્ટ્રાક્ટ હેઠળ BEML હાઈ સ્પીડ રોલિંગ સ્ટોકની સપ્લાય ઉપરાંત તેની જાળવણી સાથે સંબંધિત કામગીરી પણ સંભાળશે. આ પ્રોજેક્ટથી દેશમાં હાઈ સ્પીડ રેલ ટેક્નોલોજી અને ટ્રેન નિર્માણ ક્ષેત્રે સ્વદેશી ક્ષમતાને વેગ મળવાની અપેક્ષા છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ભારતના હાઈ સ્પીડ રેલ નેટવર્કના વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. BEMLની ભાગીદારીથી દેશમાં હાઈ સ્પીડ ટ્રેનના ઉત્પાદન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે સ્થાનિક ક્ષમતાના વિસ્તરણને પ્રોત્સાહન મળવાની શક્યતા છે.










