દોસ્તી, મસ્તી અને યાદોની સફર કરાવતી ગુજરાતી ફિલ્મ ‘મિત્રતા’ 25 સપ્ટેમ્બરે રિલીઝ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

માનસી પારેખ અને પાર્થિવ ગોહિલનું ‘Soul Sutra’ લઈને આવ્યું નવી પેઢીની મિત્રતાની કહાની; દીપ વૈદ્ય અને વિશાલ પારેખે શૂટિંગના અનુભવો શેર કર્યા

અમદાવાદ: ‘Laalo’ની સફળતા બાદ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી-નિર્માતા માનસી પારેખ અને પાર્થિવ ગોહિલનું પ્રોડક્શન હાઉસ ‘Soul Sutra’ ફરી એકવાર ગુજરાતી દર્શકો માટે નવી ફિલ્મ લઈને આવ્યું છે. ઓનીલ કર્ણિકના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘મિત્રતા’ આગામી 25 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મમાં વિરાજ ઘેલાણી, દીપ વૈદ્ય, વિશાલ પારેખ અને વિશ્વા જોશી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નામ પ્રમાણે જ ફિલ્મનો વિષય મિત્રતા છે. હાસ્ય, મસ્તી, ટીખળ, યુવાનીની ઊર્જા અને લાગણીઓથી ભરપૂર આ ફિલ્મમાં મિત્રતાના વિવિધ રંગોને રજૂ કરવામાં આવ્યા છે. મિત્રો સાથે વિતાવેલી મજાની પળો, શરારતો અને જીવનમાં આગળ વધ્યા બાદ પણ સાથે રહેતી જૂની યાદોને ફિલ્મમાં સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.

ફિલ્મના પ્રમોશન માટે ‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલા અભિનેતા દીપ વૈદ્ય અને વિશાલ પારેખે ફિલ્મ સાથે જોડાયેલા અનુભવો શેર કર્યા હતા. દીપ વૈદ્યએ જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગ દરમિયાન ખૂબ મોજ-મસ્તી કરી હતી અને સેટ પર જ તેઓ અને અન્ય કલાકારો વચ્ચે સારી મિત્રતા બની ગઈ હતી. તેમના મતે ફિલ્મ કોઈ એક વયજૂથ પૂરતી મર્યાદિત નથી અને પરિવાર તથા મિત્રો સાથે તમામ ઉંમરના દર્શકો આ ફિલ્મ માણી શકશે.

30 દિવસના શૂટિંગમાં માણી કોલેજ લાઈફ

‘મિત્રતા’નું શૂટિંગ સુરત અને દીવ ખાતે કરવામાં આવ્યું છે. ફિલ્મમાં મોટાભાગે યુવા કલાકારોને તક આપવામાં આવી છે, જ્યારે દિગ્દર્શક ઓનીલ કર્ણિકની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. કલાકારોના જણાવ્યા મુજબ ફિલ્મનું શૂટિંગ ખૂબ જ ઝડપથી પૂર્ણ થયું છે અને ત્યારબાદ ફિલ્મની રિલીઝની તૈયારીઓ પણ ઝડપી ગતિએ કરવામાં આવી છે.

પોતાની ડેબ્યુ ફિલ્મ અંગે વાત કરતાં વિશાલ પારેખે જણાવ્યું હતું કે શરૂઆતના બે દિવસ તેઓ થોડા નર્વસ હતા, પરંતુ કો-એક્ટર્સનો સહયોગ મળતાં કામ સરળ બન્યું હતું. કન્ટેન્ટ ક્રિએટર તરીકે કામ કરવા અને મોટા પડદા પર અભિનેતા તરીકે કામ કરવા વચ્ચેનો અનુભવ તદ્દન અલગ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિશાલે વધુમાં કહ્યું હતું કે કોલેજકાળ દરમિયાન બીમારીના કારણે તેઓ પોતાની કોલેજ લાઈફ સંપૂર્ણ રીતે માણી શક્યા નહોતા. જોકે, ‘મિત્રતા’ના આશરે 30 દિવસના શૂટિંગ દરમિયાન તેમને કોલેજ લાઈફની એ યાદગાર પળો માણવાનો મોકો મળ્યો.

ટ્રેલર લોન્ચ બાદ હવે ફિલ્મ થિયેટરમાં રિલીઝ માટે તૈયાર છે. 25 સપ્ટેમ્બરથી ગુજરાત સહિત વિવિધ શહેરોના સિનેમાઘરોમાં ‘મિત્રતા’ દર્શકોને દોસ્તી, મસ્તી અને જૂની યાદોની સફર કરાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai