ઓપન સ્કૂલના ધોરણ 10-12ના એક્સટર્નલ વિદ્યાર્થીઓ હવે વર્ષમાં બીજીવાર બોર્ડ પરીક્ષા આપી શકશે
ગાંધીનગર: ગુજરાતમાં ધોરણ 10 અને 12 પછી અભ્યાસ અધવચ્ચે છોડી દેતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટાડવા માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેટ ઓપન સ્કૂલના ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના એક્સટર્નલ વિદ્યાર્થીઓ માટે વર્ષમાં બીજીવાર ખાસ બોર્ડ પરીક્ષા યોજવામાં આવશે.
આ ખાસ પરીક્ષા આગામી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન યોજાવાની છે. જોકે, પરીક્ષાની ચોક્કસ તારીખો હજુ જાહેર કરવામાં આવી નથી. આગામી સમયમાં શિક્ષણ બોર્ડ દ્વારા વિગતવાર પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવશે.
સરકાર દ્વારા ધોરણ 8 અને ધોરણ 10 બાદ અભ્યાસ છોડી દેનારા વિદ્યાર્થીઓ અંગે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વિદ્યાર્થીઓ શાળાએ જતા ન હોવાનું અથવા અભ્યાસ અધવચ્ચે છોડી દીધો હોવાનું સામે આવ્યું હતું. વિદ્યાર્થીઓને ફરીથી શિક્ષણ સાથે જોડવા અને ડ્રોપઆઉટ રેટ ઘટાડવાના હેતુથી ઓપન સ્કૂલિંગ હેઠળ આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ખાસ બોર્ડ પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. સરકારની મંજૂરી બાદ પરીક્ષા યોજવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. જે વિદ્યાર્થીઓ નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાનારી આ ખાસ બોર્ડ પરીક્ષા આપવા માગે છે તેઓ 10 ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પરીક્ષાની તારીખ, વિષયવાર કાર્યક્રમ અને અન્ય વિગતો શિક્ષણ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે.










