AI એક્શન પ્લાનના બીજા સ્તંભ ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર’ને મજબૂત કરવા રાજ્યવ્યાપી GPU-as-a-Service ફ્રેમવર્ક અમલમાં
ગાંધીનગર: ગુજરાત સરકારે સરકારી કામગીરી અને જાહેર સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગને વધુ વેગ આપવા માટે State-wide GPU-as-a-Service (GPUaaS) Framework તાત્કાલિક અસરથી અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા હેઠળ સરકારી વિભાગો અને સંલગ્ન સંસ્થાઓને હાઈ-પરફોર્મન્સ GPU કમ્પ્યુટિંગ રિસોર્સિસની કેન્દ્રિત અને સામૂહિક સુવિધા ઉપલબ્ધ થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને વિજ્ઞાન તથા પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનો હેતુ AIનો ઉપયોગ માત્ર ટેક્નોલોજી પૂરતો મર્યાદિત ન રાખીને સુશાસન, જાહેર સેવા વિતરણ અને નવીનતાના ક્ષેત્રોમાં તેનો વ્યાપ વધારવાનો છે.
ગુજરાત સરકારના AI Action Planમાં કુલ છ મુખ્ય સ્તંભો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં Data, Infrastructure, Capacity Building, Foundational R&D and Use Case Development, Deeptech Startup Facilitation તેમજ Safe and Trusted AIનો સમાવેશ થાય છે. આ પૈકીના બીજા સ્તંભ એટલે કે Infrastructureને મજબૂત કરવા GPUaaS ફ્રેમવર્ક કાર્યરત કરવામાં આવ્યું છે.
GIL કરશે GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન
નવા માળખા હેઠળ ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ (GIL) દ્વારા કેન્દ્રિત GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવામાં આવશે. આ વ્યવસ્થાથી અલગ-અલગ સરકારી વિભાગોને પોતાના સ્તરે મોંઘું હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની જરૂરિયાત ઘટી શકે છે.
કેન્દ્રિત GPU સુવિધાના કારણે ઉપલબ્ધ કમ્પ્યુટિંગ સંસાધનોનો વધુ વ્યવસ્થિત અને અસરકારક ઉપયોગ કરી શકાશે. AI આધારિત વિવિધ સરકારી પ્રોજેક્ટ્સ અને ડેટા આધારિત ઉપયોગના કિસ્સાઓ માટે જરૂરી હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ ક્ષમતા એક જ માળખા હેઠળ ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે.
આ સુવિધાનો લાભ માત્ર સરકારી વિભાગો પૂરતો મર્યાદિત રહેશે નહીં. સરકારી સંસ્થાઓ, બોર્ડ-કોર્પોરેશન, સ્વાયત્ત સંસ્થાઓ તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ દ્વારા સમયાંતરે મંજૂર કરવામાં આવતી અન્ય સંસ્થાઓ પણ મંજૂર AI અને ડેટા આધારિત ઉપયોગના કિસ્સાઓ માટે GPU સુવિધાનો લાભ લઈ શકશે.
આ નિર્ણયથી ગુજરાતમાં AI આધારિત ગવર્નન્સ માટે જરૂરી ટેક્નિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂતી મળવાની સાથે સરકારી વિભાગોમાં AIના વ્યવહારુ ઉપયોગને પણ વેગ મળવાની અપેક્ષા છે.










