138.35 મીટરની સપાટીએ પહોંચ્યું જળસ્તર, ઉપરવાસમાંથી 70,830 ક્યુસેક પાણીની આવક
નર્મદા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમ હવે તેની મહત્તમ સપાટીથી માત્ર 35 સેન્ટિમીટર દૂર છે. ડેમની હાલની જળસપાટી 138.35 મીટર નોંધાઈ છે, જ્યારે તેની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
ઉપરવાસમાંથી હાલ ડેમમાં 70,830 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત આવકને કારણે ડેમનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવાની નજીક પહોંચતા ગુજરાતના ખેડૂતો અને નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હાલ ડેમમાં 5,638.62 મિલિયન ક્યુબિક મીટર લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ હોવાનું જણાવાયું છે. સામે ડેમમાંથી હાલ 13,120 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ રહી છે. પાણીની આવક અને જાવક વચ્ચેના સંતુલન પર તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
દરમિયાન વીજ ઉત્પાદન અને સિંચાઈ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને રિવરબેડ પાવર હાઉસના તમામ ટર્બાઈન હાલ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન કાર્યરત રાખવામાં આવ્યા છે.
નર્મદા ડેમની જળસપાટી મહત્તમ સપાટીની નજીક પહોંચતા આગામી સમયમાં ડેમ સંપૂર્ણ ભરાવાની શક્યતા છે. નર્મદા ડેમ ગુજરાત માટે પીવાના પાણી, સિંચાઈ અને વીજ ઉત્પાદનનો મહત્વપૂર્ણ સ્ત્રોત હોવાથી તેની જળસપાટીમાં વધારો રાજ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.










