CM ભૂપેન્દ્ર પટેલના નિવાસે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ; 44 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી પર મંથન
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી માટે ભાજપની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક શરૂ થઈ છે. આજે સાંજ સુધીમાં ભાજપ દ્વારા ગાંધીનગર મનપાની તમામ 44 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ગાંધીનગર મનપા માટે 11 ઓક્ટોબરે મતદાન અને 13 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. ગત ચૂંટણીમાં ભાજપે 41 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 2 અને આમ આદમી પાર્ટીને 1 બેઠક મળી હતી. આ વખતે ભાજપ તમામ 44 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે ચૂંટણી મેદાનમાં ઉતરશે.
બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ વધુ સારો દેખાવ કરવા માટે તૈયારી કરી રહ્યા છે. AAP દ્વારા પ્રથમ તબક્કામાં 23 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણેય પક્ષો દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ થશે.
આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ગાંધીનગર મનપાની ચૂંટણીને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચેની ટક્કરને કારણે ચૂંટણીમાં રસાકસી જોવા મળે તેવી શક્યતા છે.










