ધોરાજીના ભૂતવડ ગામના પાટિયા નજીક આવેલા ભક્તિ ફ્યુલ સ્ટેશનમાંથી રોકડ અને મોબાઈલની ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ રૂરલ એલસીબીની ટીમે રાજકોટના ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી રોકડ, મોબાઈલ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી CNG રિક્ષા સહિત રૂ.1.27 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ફ્યુલ સ્ટેશન પર મોડી રાત્રે માત્ર એક જ ફિલરમેન હાજર હોવાનો લાભ લઈને ટોળકીએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. ફરિયાદ મુજબ, ફિલરમેન પાસે રૂ.28,060ની રોકડ હતી અને મોબાઈલ પણ ઓશિકા પાસે મૂક્યો હતો. રાત્રિના સમયે CNG ભરાવવા આવેલા આરોપીઓએ ફિલરમેન ઊંઘી જાય તેની રાહ જોઈ હતી. બાદમાં તક મળતાં ટેબલના ખાનામાંથી રોકડ અને ઓશિકા પાસેથી મોબાઈલ ચોરી ફરાર થઈ ગયા હતા.
CCTV ફૂટેજમાં એક શખ્સ ટેબલ પાસે જઈ રોકડ અને મોબાઈલ લઈ જતો જોવા મળ્યો હતો. આ અંગે ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ રૂરલ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી.
પોલીસે પ્રતીક ઉર્ફે પતિયો પરસોત્તમ સાકરીયા, રજાક ઉર્ફે કાળીયો ઈસા મુસાણી, ભાવેશ ઉર્ફે દોણિયો ભુપત મકવાણા અને દીપક દલા સોલંકીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રૂ.25 હજાર રોકડા, બે મોબાઈલ ફોન અને જીજે-03-સીટી-5864 નંબરની CNG રિક્ષા કબજે કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ટોળકી પ્રથમ રિક્ષામાં CNG ભરાવવા માટે ફ્યુલ સ્ટેશન પર આવી હતી. તે સમયે મોડી રાત્રે સ્ટેશન પર માત્ર એક જ કર્મચારી હાજર હતો અને અવરજવર પણ ઓછી હતી. ફિલરમેન ઊંઘી ગયા બાદ ચોરી કરવાની તક હોવાનું જણાતા આરોપીઓએ નજીકમાં વોચ ગોઠવી હતી અને તક મળતાં ચોરીને અંજામ આપ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓમાંથી પ્રતીક સાકરીયા સામે અગાઉ મારામારી, રાયોટ અને દારૂ સહિતના 8 ગુના, રજાક મુસાણી સામે POCSO અને દારૂના 2 ગુના, ભાવેશ મકવાણા સામે દારૂના 2 ગુના અને દીપક સોલંકી સામે દારૂનો 1 ગુનો નોંધાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.










