અમદાવાદના પાલડી વિસ્તારમાં કોઠાવાલા ફ્લેટ નજીક આવેલા સ્પા સેન્ટરમાં અચાનક ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી હતી. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને અંદર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.
સ્પા સેન્ટરમાં આગ લાગ્યા બાદ અંદર ધુમાડાના ગોટેગોટા ફેલાઈ જતાં 4 લોકો ફસાયા હતા. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરીને 3 મહિલાઓ અને 1 પુરુષ સહિત ચારેય લોકોને સલામત રીતે બહાર કાઢ્યા હતા.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 7થી 8 જેટલી ફાયર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની સાથે કૂલિંગની કામગીરી પણ હાથ ધરી હતી.
આ ઘટનામાં સદનસીબે ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે ચારેય લોકોનો સુરક્ષિત બચાવ થયો હતો. જોકે, સ્પા સેન્ટરમાં આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે.










