ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં યોજાયેલા ‘યુવા સંવાદ’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. વિદ્યાર્થીઓએ રોજગાર, શિક્ષણ, કૃષિ, આરોગ્ય, રમતગમત, મહિલા સશક્તિકરણ, સાયબર ક્રાઇમ, નશામુક્તિ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના વિવિધ મુદ્દે પ્રશ્નો પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ ‘વિકસિત ભારત-2047’ના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારી જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિકાસ માત્ર મોટા શહેરો પૂરતો સીમિત ન રહે, પરંતુ ગામડાં અને છેવાડાના લોકો સુધી વિકાસની તકો તથા સરકારી યોજનાઓનો લાભ પહોંચે ત્યારે જ વિકાસનું લક્ષ્ય સાકાર થશે.
રોજગાર અંગે વાત કરતાં મુખ્યમંત્રીએ ધોલેરા SIRમાં આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝને ધ્યાનમાં રાખીને યુવાનોને ટેકનિકલ કૌશલ્ય વિકસાવવાની સલાહ આપી હતી. સેમિકન્ડક્ટર સહિતના ક્ષેત્રોમાં કંપનીઓના સહયોગથી સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ અને ક્લાસિસ યોજાઈ રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કૃષિ અંગે મુખ્યમંત્રીએ યુવાનોને માત્ર પુસ્તકીય જ્ઞાન સુધી મર્યાદિત ન રહેવા અને આધુનિક ખેતી પદ્ધતિ, ટેક્નોલોજી, યોગ્ય બિયારણ તથા આધુનિક સાધનોનું પ્રેક્ટિકલ જ્ઞાન મેળવવા જણાવ્યું હતું. મોડેલ ફાર્મની મુલાકાત લઈને ખેતીની નવી પદ્ધતિઓ શીખવા અને ખેત પેદાશોમાં વેલ્યુ એડિશન કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય અંગેના પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે અન્ય લોકો સાથે હરીફાઈ કે સરખામણી કરવાને બદલે પોતાની ક્ષમતા અને પરિસ્થિતિ પ્રમાણે આગળ વધવું જોઈએ. નિષ્ફળતા મળે તો ફરી પ્રયાસ કરવો અને યોગ તથા સકારાત્મક વિચારસરણીને જીવનનો ભાગ બનાવવો જોઈએ.
સાયબર ક્રાઇમ અંગે વિદ્યાર્થીઓને ઓનલાઇન ફ્રોડથી સાવચેત રહેવા અને સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. રમતગમત અંગે તેમણે રાજ્યમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની વાત કરી હતી અને ભાવનગરમાં હોકી સહિતની રમતો માટે જરૂરી સુવિધાઓ વિકસાવવા સરકાર તરફથી સહયોગની ખાતરી આપી હતી.
મહિલા સશક્તિકરણના મુદ્દે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાના પ્રયાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ યુવાનોને અન્ય ભાષાઓનું જ્ઞાન મેળવવાની સાથે માતૃભાષા પ્રત્યે ગૌરવ જાળવવા પણ અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ યુવાનોમાં કૌશલ્ય, સકારાત્મક વિચારસરણી, સંવેદનશીલતા અને આત્મવિશ્વાસ જેવા ગુણો રાષ્ટ્રનિર્માણમાં મહત્વપૂર્ણ બની શકે છે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુબેન બાંભણિયા, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના આગેવાનો અને યુનિવર્સિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.










