જામનગરમાં નશાકારક પદાર્થોના નેટવર્ક સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. મેઘપર ગામમાં ભાડાની ઓરડીમાંથી રૂ.2 લાખની કિંમતનો 4 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે મૂળ બિહારના સુનિલકુમાર રામબાબુ રાય નામના શખ્સની ધરપકડ કરી છે.
મેઘપર ગામમાં એક શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે જામનગર SOG અને મેઘપર પોલીસે દરોડો પાડ્યો હતો. દરમિયાન સુનિલકુમાર રામબાબુ રાયને ઝડપી તેની ઓરડીની તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત મોબાઇલ અને રૂ.1,520 રોકડા સહિત કુલ રૂ.2.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીના ભાઈ સુજીતકુમાર રામબાબુ રાયની પણ સંડોવણી સામે આવી છે. જ્યારે ગાંજાનો જથ્થો સપ્લાય કરનાર તરીકે બિહારના બહુઆરા ગામના મોનુનું નામ સામે આવતા બંનેને ફરાર જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
બિહારથી 5 કિલો ગાંજો લાવી મેઘપરમાં વેચાણનો આરોપ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ આશરે 15 દિવસ પહેલાં બિહારથી ગાંજો લઈને મેઘપર આવ્યા હતા. તેમણે બહુઆરા ગામના મોનુ પાસેથી આશરે 5 કિલો ગાંજો રૂ.20 હજારના ભાવે ખરીદ્યો હોવાનો પોલીસનો દાવો છે.
23 સપ્ટેમ્બરે ગાંજો મેઘપર લાવી મજૂરોને છૂટક વેચાણ કરવામાં આવતું હતું. પોલીસ પહોંચે ત્યાં સુધીમાં આશરે એક કિલો જેટલો જથ્થો વેચાઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે.
નોંધનીય છે કે ત્રણ દિવસ અગાઉ ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી પણ 2 કિલો ગાંજા સાથે પોરબંદર પંથકના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મેઘપરમાંથી ફરી ગાંજો ઝડપાતા પોલીસે નશીલા પદાર્થોના નેટવર્ક સામે તપાસ વધુ સઘન બનાવી છે.










