શાકભાજીના બજારમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. યાર્ડમાં લીંબુનો હોલસેલ ભાવ રૂ.200 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે, જ્યારે છૂટક બજારમાં ભાવ વધીને રૂ.300 પ્રતિ કિલો થયા છે. ભાવવધારાની સીધી અસર સામાન્ય અને મધ્યમ વર્ગના ઘરગથ્થુ બજેટ પર પડી રહી છે.
વેપારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ અને વરસાદ મોડો પડવાને કારણે લીંબુના પાકને અસર થઈ છે. સમયસર વરસાદ ન મળતાં ઝાડ પરનો ફાલ નબળો રહ્યો અને ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે.
હાલ બજારમાં સ્થાનિક સ્તરેથી મર્યાદિત આવક થઈ રહી છે, જ્યારે બહારના રાજ્યોમાંથી પણ લીંબુનો જથ્થો ઓછો આવી રહ્યો છે. પરિણામે બજારમાં અછતની સ્થિતિ સર્જાઈ છે.
વેપારીઓના મતે લીંબુનો નવો પાક બજારમાં આવવામાં હજુ સમય લાગી શકે છે. તેથી નજીકના દિવસોમાં ભાવમાં મોટો ઘટાડો થવાની શક્યતા ઓછી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.










