જિનશાસનના મહાપ્રભાવક સંતોના જન્મોત્સવની અમદાવાદ અને મુંબઈ સહિત વિવિધ સ્થળોએ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રસંત આચાર્ય ભગવંત પૂજ્ય શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજનો 92મો જન્મદિન અમદાવાદમાં ધાર્મિક અનુષ્ઠાનો સાથે ઉજવાયો હતો.
મુંબઈમાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજનો 56મો જન્મોત્સવ બે દિવસ સુધી ‘માનવતા મહોત્સવ’ તરીકે ઉજવાયો હતો. આ ઉપરાંત ધરમપુર શ્રીમદ્ રાજચંદ્ર મિશનના પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીનો 60મો જન્મદિન પણ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો.
જૈન શ્રમણ સંસ્કૃતિમાં સંતોના જન્મદિન ઉપરાંત દીક્ષા તિથિ અને આચાર્ય પદવી દિનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ માનવામાં આવે છે. તેથી પ્રમુખ સંતોના જન્મોત્સવની સમાજ દ્વારા ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
રાષ્ટ્રસંત આચાર્ય પદ્મસાગરસૂરિજી મહારાજ
યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજી મહારાજના સમુદાયના રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ હાલ ચાતુર્માસ માટે અમદાવાદમાં બિરાજમાન છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ તેમના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિજી મહારાજ અને આચાર્ય શ્રી અરુણોદયસાગરસૂરિજી મહારાજ સહિત સંતોની નિશ્રામાં આશરે 15 વર્ષ પહેલાં રાજકોટમાં શ્રી સુમતિનાથ જિનાલયનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. યુનિવર્સિટી રોડ જૈન સંઘ દ્વારા આયોજિત આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.
પૂજ્યશ્રીની પ્રેરણાથી કોબા ખાતે ભગવાન મહાવીર સ્વામીને મૂળનાયક તરીકે બિરાજમાન કરવામાં આવ્યા છે. દર વર્ષે મે મહિનામાં આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીના કાળધર્મ સમયે બપોરના સમયે મૂળનાયક ભગવાન પર સૂર્યતિલક થાય છે, જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે.










