શેરબજારમાં વૈશ્વિક ઘટનાક્રમોના કારણે ઉથલપાથલ વચ્ચે પણ IPO અને પ્રાયમરી માર્કેટમાં જોરદાર ગતિવિધિ જોવા મળી રહી છે. આજે ભારતીય પ્રાયમરી માર્કેટમાં એકસાથે અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ બની રહી છે. એક જ દિવસે 9 IPOનું લિસ્ટિંગ, 10 નવા IPOનું ઓપનિંગ અને 5 IPOના સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે.
આજે કુલ 16 IPOમાં સબ્સ્ક્રિપ્શન ચાલુ છે, જેમાં 14 SME IPO અને 2 મેઇનબોર્ડ IPOનો સમાવેશ થાય છે. મેઇનબોર્ડના IPOમાં વિશાલ નિર્મિતિ અને નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી લિમિટેડનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 5 IPOમાં આજે સબ્સ્ક્રિપ્શનનો છેલ્લો દિવસ છે. તેમાં મેઇનબોર્ડના SRIT ઇન્ડિયા અને શાહ ઇન્વેસ્ટર હોમ ઉપરાંત SME સેગમેન્ટના યુનિવર્સલ સેફઝોન, શિવકેમ એગ્રો અને પિંડ હોસ્પિટાલિટીનો સમાવેશ થાય છે.
બીજી તરફ, આજે શેરબજારમાં 9 IPOનું લિસ્ટિંગ થયું છે. તેમાં અસ્તીક ઇન્ફ્રા., એલીવેટ કેમ્પસ, એસ.કે. ઓફસેટ, આરમી ઇન્ફોટેક, કોર ઇન્ટિગ્રા કન્સલ્ટિંગ, યુનિટેક ફાઇબર્સ, લીકવીડ ડિજિટલ, એડરોઇટ ઇન્ડસ્ટ્રીઝ અને પૂજા લોજિસ્ટિકનો સમાવેશ થાય છે.
પ્રાયમરી માર્કેટના બ્રોકરોના જણાવ્યા મુજબ, તાજેતરમાં પૂર્ણ થયેલા 8 IPOના એલોટમેન્ટની પ્રક્રિયા પણ આજે થવાની છે. છેલ્લા બે મહિનાથી IPO માર્કેટમાં સતત ધમધમાટ જોવા મળી રહ્યો છે અને વિવિધ કંપનીઓ દ્વારા અબજો રૂપિયાનું ભંડોળ ઊભું કરવામાં આવી રહ્યું છે.
કોરોના બાદ દેશમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં ગુજરાતના રોકાણકારોની ભાગીદારી પણ નોંધપાત્ર રહી છે. ઓગસ્ટમાં નવા રોકાણકારોના ઉમેરામાં ગુજરાત આગળ રહ્યું હોવાનો અહેવાલ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિતના ગુજરાતના શહેરો રોકાણકારોની સંખ્યાના મામલે ચર્ચામાં રહ્યા છે.










