ગાંધીનગર: દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં સર્જાયેલી ગંભીર ઘટનામાં અદમ્ય સાહસ અને સૂઝબૂઝ દાખવી 174 મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી મૂળના પાયલટ કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર દ્વારા ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેપ્ટન સ્મિત મચ્છરની હિંમતને બિરદાવતાં જણાવ્યું હતું કે, હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે અદમ્ય સાહસ દાખવીને 174 મુસાફરોના જીવ બચાવ્યા. તેમનું આ સાહસ અને માનવતાનું કાર્ય અત્યંત પ્રેરણાદાયી અને સરાહનીય છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મૂળ ગુજરાતના આ પાયલટે પોતાના શૌર્યથી ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે.
ફ્લાઈટમાં સર્જાયેલી કટોકટી દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવા છતાં પરિસ્થિતિનો સામનો કર્યો હતો. અહેવાલો અનુસાર, વિમાનને સુરક્ષિત રીતે સાઉદી અરેબિયાના તબુક ખાતે ઉતારવામાં આવ્યું હતું અને તેમાં સવાર 174 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યું છે. દેશવાસીઓની સંવેદના અને પ્રાર્થના તેમની સાથે છે.
ગુજરાત સરકાર તરફથી ₹25 લાખના ઈનામની જાહેરાત
કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને બિરદાવતા ગુજરાત સરકાર દ્વારા ₹25 લાખના ઈનામની જાહેરાત કરવામાં આવી હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે.
કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ દ્વારા પણ પ્રશંસા કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.










