એકતાનગર (કેવડિયા)ની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ સાથે આત્મીય મુલાકાત કરી હતી. સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નીરના વધામણાં કર્યા બાદ તેઓ ડેમ વ્યુ પોઈન્ટ-1 ખાતે પહોંચ્યા હતા.
અહીં બનાસકાંઠાના દાંતા તાલુકાથી ‘પરિવાર મિલન’ અંતર્ગત પ્રવાસે આવેલા લોકો સાથે મુખ્યમંત્રીએ સહજ સંવાદ કર્યો હતો. તેમણે પ્રવાસીઓના અનુભવો, એકતાનગરની વ્યવસ્થા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અંગે માહિતી મેળવી હતી.
અચાનક પોતાની વચ્ચે રાજ્યના મુખ્યમંત્રીને જોઈ પ્રવાસીઓએ તેમનું અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રીના સાદગીભર્યા અને આત્મીય વર્તનથી પ્રવાસીઓમાં ખુશી જોવા મળી હતી અને આ મુલાકાત તેમના માટે યાદગાર બની હતી.










