ખાદી-પોલિવસ્ત્રની ખરીદી પર 30 ટકા સુધીની ખાસ બજાર પ્રોત્સાહન સહાય
ગાંધીનગર: ગાંધી જયંતીના અવસરે ગુજરાત સરકારે ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકાર દ્વારા 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2026 સુધી ખાદી અને પોલિવસ્ત્રના ઉત્પાદનો પર 30 ટકા ખાસ બજાર પ્રોત્સાહન સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ દ્વારા માન્ય સંસ્થાઓ અને મંડળીઓ દ્વારા ઉત્પાદિત ખાદી તથા પોલિવસ્ત્રની ખરીદી પર આ સહાયનો લાભ ગ્રાહકોને ખાદી વેચાણ કેન્દ્રો મારફતે વળતર સ્વરૂપે મળશે.
16 હજારથી વધુ કારીગરોને લાભ
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, આ યોજનાથી ગુજરાતની 220થી વધુ માન્ય ખાદી સંસ્થાઓ અને મંડળીઓ સાથે સંકળાયેલા અંદાજે 16 હજારથી વધુ કાંતનાર અને વણનાર કારીગરોને રોજગારી જાળવવામાં મદદ મળશે.
ખાદીના વેચાણમાં વધારો થતાં ગ્રામ્ય વિસ્તારોના કારીગરો અને સ્થાનિક ઉત્પાદકોને પણ આર્થિક લાભ મળવાની અપેક્ષા છે. આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ તેમજ ખાદીના વિવિધ રેડિમેઇડ ગારમેન્ટ્સ સહિતના ઉત્પાદનોની ખરીદી પર આ પ્રોત્સાહનનો લાભ મળી શકશે.
‘વોકલ ફોર લોકલ’ને મળશે વેગ
રાજ્ય સરકારના જણાવ્યા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન’, ‘વોકલ ફોર લોકલ’ અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ જેવી પહેલોને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આગામી તહેવારો અને વિવિધ સામાજિક પ્રસંગોમાં ખાદી તથા સ્વદેશી ઉત્પાદનોની ખરીદી વધે અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે તે પણ આ યોજનાનો હેતુ છે.
અમદાવાદ, ભરૂચ અને વડોદરામાં ખાદી મેળા
ખાદીના વેચાણને પ્રોત્સાહન આપવા રાજ્યના વિવિધ શહેરોમાં પ્રદર્શન-સહ-વેચાણ મેળાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
2થી 7 ઓક્ટોબર: ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ
1થી 10 ઓક્ટોબર: ભરૂચ
11થી 17 ઓક્ટોબર: વડોદરા
આ મેળાઓમાં ગ્રાહકોને વિવિધ પ્રકારના ખાદી અને ગ્રામોદ્યોગ ઉત્પાદનોની ખરીદી કરવાની તક મળશે. સરકારના આ નિર્ણયથી ખાદીના વેચાણને વેગ મળવાની સાથે સ્થાનિક કારીગરો અને ગ્રામ્ય અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે.










