વાંકાનેર: વાંકાનેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી ક્રેટા કારમાં દેશી દારૂનો જથ્થો ભરીને વાંકાનેર તરફ લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મહીકા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી વાહનને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની ટીમે બાતમી મુજબની ક્રેટા કારને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે કાર ઉભી રાખવાને બદલે પૂરપાટ ઝડપે હંકારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો. બાદમાં મહીકા ગામના પુલ પાસે ખાનગી વાહનોની મદદથી કારને કોર્ડન કરીને રોકી દેવામાં આવી હતી.
પોલીસે ક્રેટા કારની તલાશી લેતાં તેમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમાં ₹1.90 લાખનો દેશી દારૂ, ₹4 લાખની ક્રેટા કાર અને ₹5 હજારની કિંમતનો મોબાઈલ ફોન સામેલ છે.
એક આરોપીની ધરપકડ
આ કાર્યવાહી દરમિયાન પોલીસે **રફિક ઉર્ફે રફલો હબીબભાઈ વિકિયાણી (ઉંમર 37, રહે. ચંદ્રપુર, તાલુકો વાંકાનેર)**ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂનો જથ્થો મોકલનાર, મંગાવનાર તેમજ તપાસ દરમિયાન જે અન્ય વ્યક્તિઓનાં નામ સામે આવશે, તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.










