સુરત: સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના અમલ અને ટુ-વ્હીલર ચાલકો સામેની દંડાત્મક કાર્યવાહી મુદ્દે વરાછા રોડના ધારાસભ્ય કિશોર કાનાણીએ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. તેમણે ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવે, પરંતુ તમામ પ્રકારના વાહનો સામે સમાન રીતે નિયમોનો અમલ થાય તેવી માંગ કરી છે.
ધારાસભ્યના જણાવ્યા મુજબ, વરાછા રોડ પર ખાંડ બજાર, ભવાની સર્કલ, સરસ્વતી સર્કલ અને કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટુ-વ્હીલર ચાલકો સામે મોટી સંખ્યામાં દંડની કાર્યવાહી કરવામાં આવે છે. નિયમનો ભંગ કરનાર સામે દંડ વસૂલવો યોગ્ય છે, પરંતુ માત્ર ટુ-વ્હીલર ચાલકો સામે જ કાર્યવાહી કેમ કરવામાં આવે છે તે અંગે તેમણે સવાલ ઉઠાવ્યો છે.
તેમણે ટ્રાફિક સિગ્નલના નિયમોના અમલ સાથે સિગ્નલના મેન્ટેનન્સ અને ટાઈમિંગ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. પ્રતિબંધિત સમય દરમિયાન ભારે વાહનો અને ડમ્પરોની અવરજવર, ટ્રેક્ટર-ટ્રક દ્વારા નિયમોના ભંગ તેમજ રેતી-માટી ભરેલા ખુલ્લા વાહનો અને એર હોર્નના ઉપયોગ સામે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત રોડ પર ટ્રાફિકને અડચણરૂપ રીતે પાર્ક થતા વાહનો, ચાર રસ્તા અને ત્રણ રસ્તા પર ઉભી રહેતી રિક્ષાઓ તથા દબાણના કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યા સામે પણ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય કિશોર કાનાણીએ પોલીસ વિભાગને ટ્રાફિક વ્યવસ્થાના તમામ પાસાઓ પર ધ્યાન આપી નિયમોનો સમાન અને અસરકારક અમલ કરાવવા તેમજ સામાન્ય વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.










