વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને મળનારી 130 ઇલેક્ટ્રિક બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શનની કામગીરી માટે હાથ ધરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં અંદાજ કરતાં 9.49 ટકા વધુ ભાવ આવ્યો છે. પાંચ વર્ષ એટલે કે 60 મહિના માટેની આ કામગીરીનો અંદાજિત ખર્ચ રૂ.24.24 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો, જ્યારે સૌથી ઓછો ભાવ રજૂ કરનાર દિગ્વિજય એન્ટરપ્રાઇઝ, મહેસાણા દ્વારા રૂ.26.55 કરોડનો ભાવ રજૂ કરવામાં આવ્યો છે. આ દરખાસ્ત હવે મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
130 ઈ-બસ માટે ટિકિટિંગ અને રેવન્યુ કલેક્શનની કામગીરી
પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળ વડોદરા કોર્પોરેશનને પ્રથમ તબક્કામાં 130 ઇલેક્ટ્રિક બસ મળવાની છે. આ બસોમાં મુસાફરો પાસેથી ભાડું વસૂલવા માટે ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન (ETM) અને ટિકિટિંગ સોફ્ટવેર સાથે પાંચ વર્ષ માટે એજન્સીની પસંદગી કરવામાં આવી રહી છે.
ટેન્ડર પ્રક્રિયામાં કુલ ત્રણ કંપનીઓએ રસ દાખવ્યો હતો. જેમાં દિગ્વિજય એન્ટરપ્રાઇઝનો સૌથી ઓછો ભાવ આવ્યો છે. જોકે આ ભાવ કોર્પોરેશનના અંદાજ કરતાં 9.49 ટકા વધુ હોવાથી હવે પાંચ વર્ષની કામગીરી માટે કોર્પોરેશનને વધારાનો ખર્ચ કરવો પડશે.
કંડક્ટરથી લઈને ETMની જવાબદારી એજન્સીની
ટેન્ડરની શરતો મુજબ પસંદ થનારી એજન્સીએ બસો માટે કંડક્ટર તેમજ ઈલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ઉપલબ્ધ કરાવવાના રહેશે. મુસાફરો પાસેથી વસૂલાતી ટિકિટની રકમનો રેકોર્ડ જાળવવા ઉપરાંત તેની નિયમિત નિભાવણીની જવાબદારી પણ એજન્સીની રહેશે.
કંપની દ્વારા એકત્ર કરવામાં આવેલી રકમ, સંબંધિત માહિતી તેમજ ETM મશીનો કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવેલી જગ્યાએ દરરોજ જમા કરાવવાના રહેશે. આ ઉપરાંત કુલ ETM મશીનોની સંખ્યાના પાંચ ટકા વધારાના મશીનો પણ એજન્સીએ ઉપલબ્ધ રાખવાના રહેશે.
રેવન્યુ કલેક્શનની દેખરેખ માટે ટીમની રચના
રેવન્યુ કલેક્શનની કામગીરીની ચકાસણી અને દેખરેખ માટે એજન્સીએ મેનેજર, ટેકનિકલ નિષ્ણાત અને 10 સુપરવાઇઝર સહિતની ટીમ પણ નિયુક્ત કરવાની રહેશે.
60 મહિના માટેની સમગ્ર સર્વિસ ફીનો કોર્પોરેશનનો અંદાજ રૂ.24.24 કરોડ હતો. જ્યારે પ્રતિ બસ પ્રતિ દિવસ રૂ.1,347ની સર્વિસ ફીનો અંદાજ મુકવામાં આવ્યો હતો. ટેન્ડરમાં સૌથી ઓછો ભાવ આપનાર એજન્સીનો ભાવ આ અંદાજ કરતાં 9.49 ટકા વધુ આવ્યો છે.
પાંચ વર્ષમાં રૂ.26.55 કરોડનો ખર્ચ
ટેન્ડર મંજૂર થાય તો પાંચ વર્ષ દરમિયાન ઈ-બસોના ટિકિટ અને રેવન્યુ કલેક્શનની કામગીરી પાછળ કોર્પોરેશનનો કુલ ખર્ચ આશરે રૂ.26.55 કરોડ થશે. એટલે કે અંદાજિત રૂ.24.24 કરોડની સરખામણીએ કોર્પોરેશનને આશરે રૂ.2.31 કરોડ વધુ ચૂકવવા પડશે.
GCC મોડેલ હેઠળ બસોનું સંચાલન
પીએમ ઈ-બસ સેવા યોજના હેઠળનો આ પ્રોજેક્ટ ગ્રોસ કોસ્ટ કોન્ટ્રાક્ટ (GCC) મોડેલ પર આધારિત છે. આ મોડેલમાં બસોની માલિકી અને બસોના સંચાલનની જવાબદારી બસ ઓપરેટરની રહેશે, જ્યારે મુસાફરો પાસેથી ટિકિટ મારફતે થતી આવકનું કલેક્શન સંબંધિત શહેરી સ્થાનિક સંસ્થા એટલે કે કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં રહેશે.
બસોને માર્ગ પર દોડાવવા તેમજ બસ ઓપરેટરની પસંદગી કરવાની પ્રક્રિયા સીઈએસએલને સોંપવામાં આવી હતી. તેના આધારે જેબીએમ ઈકોલાઈફ મોબિલિટી પ્રાઇવેટ લિમિટેડની ગુજરાત રાજ્ય માટે બસ ઓપરેટર તરીકે પસંદગી કરવામાં આવી છે.










