કપરાડાના સુથારપાડા પાસે લક્ઝરી બસ 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી : 25 મુસાફરો ઈજાગ્રસ્ત, 4ની હાલત ગંભીર

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુથારપાડા ગામની સીમમાં પારડી-નાસિક હાઈવે પર લક્ઝરી બસ ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાસિકથી અમદાવાદ મુસાફરોને લઈને જતી બસ ખતરનાક યુ-ટર્ન પર અનિયંત્રિત થતાં રોડની બાજુમાં આવેલી આશરે 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતમાં બસમાં સવાર આશરે 25 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, જેમાંથી ચાર મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

ખતરનાક યુ-ટર્ન પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો

મહારાષ્ટ્રના નાસિકથી અમદાવાદ તરફ મુસાફરોને લઈને જતી લક્ઝરી બસ નંબર AR-01-V-1006 કપરાડા પંથકમાંથી પસાર થઈ રહી હતી. દરમિયાન સુથારપાડા ગામ નજીક આવેલા અત્યંત જોખમી યુ-ટર્ન પર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ અનિયંત્રિત બની હતી.

જોતજોતામાં બસ રોડની બાજુએ આવેલી આશરે 30 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. અકસ્માતને પગલે બસમાં સવાર મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક મુસાફરો બસમાં ફસાઈ ગયા હતા.

અંધકાર વચ્ચે ગ્રામજનો મદદે દોડી આવ્યા

અકસ્મતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ખીણમાં પડેલી બસમાંથી ફસાયેલા અને ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢવાની કામગીરી સ્થાનિક લોકોએ શરૂ કરી હતી.

અંધકાર અને મુશ્કેલ પરિસ્થિતિ વચ્ચે પણ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ પોલીસ અને બચાવ ટીમની મદદથી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

7 એમ્બ્યુલન્સ સાથે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

અકસ્મતની જાણ થતાં પોલીસ કાફલો તેમજ 7 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી ઝડપથી હાથ ધરી તમામ ઈજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અકસ્મતમાં આશરે 25 મુસાફરોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જેમાંથી ચાર મુસાફરોને ગંભીર ઈજાઓ હોવાથી તેમને વધુ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

જોખમી સ્થળે અગાઉ પણ અકસ્માતના બનાવો

સુથારપાડા નજીકનો આ યુ-ટર્ન અગાઉથી જ જોખમી માનવામાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ સ્થળે અગાઉ પણ સમયાંતરે અકસ્માતના બનાવો બની ચૂક્યા છે. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai