આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સારવારની સમીક્ષા કરી, જવાનોને શ્રેષ્ઠ સારવાર અને પૌષ્ટિક ભોજન આપવા સૂચના
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસ દરમિયાન BSF, CRPF અને ITBPના કુલ 87 જવાનોને તાવ અને અન્ય શારીરિક તકલીફોને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 50 જવાનો સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે, જ્યારે 37 જવાનો હાલ સારવાર હેઠળ છે. તમામ જવાનોની સ્થિતિ સ્થિર હોવાનું આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું.
આરોગ્ય મંત્રીએ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબો અને અધિકારીઓ સાથે બેઠક યોજી સારવારની સમીક્ષા કરી હતી. તેમણે જવાનોને પૂરતું પાણી, ફળો, જ્યુસ અને પૌષ્ટિક ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ડેન્ગ્યુના દર્દીઓ માટે જરૂરિયાત મુજબ રક્ત અને પ્લેટલેટ્સનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ જણાવ્યું હતું.
એક જવાનનું સારવાર દરમિયાન મોત
સારવાર લઈ રહેલા એક જવાનને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો થતાં તબીબોએ ECG સહિતની તપાસ કરી ICUમાં ખસેડ્યા હતા. જોકે, સઘન સારવાર છતાં તેમનું મોત થયું હતું. તાવ અને અસ્વસ્થતા હોવા છતાં ભારે કસરત ચાલુ રાખવાને કારણે કાર્ડિયાક અરેસ્ટની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ અંતિમ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સ્પષ્ટ થશે.
રહેઠાણ સ્થળે ફોગિંગ અને આરોગ્યની દેખરેખ
જવાનોના રહેઠાણ સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા દરરોજ બે વખત ફોગિંગ અને કીટનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગની વિશેષ ટીમ દ્વારા સ્વચ્છતા અને જવાનોના સ્વાસ્થ્યની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.










