પ્રવેશ સમિતિની કડક સૂચના: પ્રથમ તબક્કામાં પ્રવેશ કન્ફર્મ કરવા માત્ર રૂ. 5 હજાર જ લેવાની મંજૂરી, વધુ ફી વસૂલનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
રાજ્યની ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન (PTC) કોલેજોમાં પ્રવેશ માટે આજે, 9 ઓક્ટોબરે પ્રથમ તબક્કાનું એલોટમેન્ટ કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં જ પ્રવેશ સમિતિએ તમામ ખાનગી PTC કોલેજોને ફી વસૂલાત અંગે કડક સૂચના આપી છે. હાલના નિયમ મુજબ ખાનગી PTC કોલેજો વાર્ષિક રૂ. 20 હજારથી વધુ ફી વસૂલી શકશે નહીં. નિયત મર્યાદા કરતાં વધુ ફી માંગતી કોલેજો સામે શિસ્તભંગની સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
પ્રથમ તબક્કામાં કોલેજ ફાળવાયેલા વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરવા જાય ત્યારે કોલેજે માત્ર રૂ. 5 હજાર જ ફી તરીકે લેવાની રહેશે. બાકીની ફી નિયમો મુજબ બાદમાં ભરવાની રહેશે. પ્રથમ તબક્કે નિયત મર્યાદા કરતાં વધુ રકમ વસૂલવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
2006થી ફીમાં કોઈ વધારો નહીં
PTC કોલેજોનું વર્તમાન ફી માળખું વર્ષ 2006માં નક્કી કરવામાં આવ્યું હતું. તે સમયે વાર્ષિક ફી રૂ. 20 હજાર નક્કી કરાઈ હતી, જેમાં ત્યારથી અત્યાર સુધી કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ચાલુ શૈક્ષણિક વર્ષ માટે પણ સરકારે ફી વધારવાની જાહેરાત કરી નથી.
બીજી તરફ, ખાનગી PTC કોલેજોના સંચાલકોએ ફી વધારવાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાથી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી જૂના ફી માળખા કરતાં વધુ રકમ વસૂલી શકાશે નહીં. કોર્ટના ચુકાદા બાદ જ ફી અંગે આગળનો નિર્ણય લેવામાં આવશે.
19 હજાર બેઠકો સામે 50 હજારથી વધુ અરજીઓ
રાજ્ય સરકારે શિક્ષકોની ભરતીનું કેલેન્ડર જાહેર કર્યા બાદ છેલ્લા બે વર્ષથી પ્રમાણમાં ઓછું આકર્ષણ ધરાવતા PTC કોર્સમાં વિદ્યાર્થીઓનો રસ ફરી વધ્યો છે. રાજ્યની PTC કોલેજોમાં આશરે 19 હજાર બેઠકો ઉપલબ્ધ છે, જ્યારે ચાલુ વર્ષે 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે નોંધણી કરાવી છે. બેઠકોની સરખામણીએ અરજીઓની સંખ્યા ઘણી વધારે હોવાથી પ્રવેશ માટે ભારે સ્પર્ધા જોવા મળશે.
મેનેજમેન્ટ ક્વોટાની ફી નક્કી કરવાની માંગ
પ્રવેશ પ્રક્રિયા વચ્ચે PTC કોલેજોની 15 ટકા મેનેજમેન્ટ ક્વોટાની ફીનો મુદ્દો પણ ચર્ચામાં છે. વાલીઓનો આક્ષેપ છે કે કેટલીક ખાનગી કોલેજો મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે મનસ્વી રીતે ઊંચી ફી વસૂલે છે.
વાલીઓની માંગ છે કે મેડિકલ અને ટેકનિકલ શિક્ષણની જેમ PTC કોલેજોમાં પણ મેનેજમેન્ટ ક્વોટાની ફી સરકાર દ્વારા સત્તાવાર રીતે નક્કી કરવામાં આવે. જો બંને ક્વોટા માટે ફીની મર્યાદા નક્કી કરવામાં આવે તો ખાનગી કોલેજો દ્વારા થતી મનસ્વી અને ગેરકાયદે ફી વસૂલાત પર અંકુશ લાવી શકાય તેમ છે.










