એક સંગઠનનો અસહકાર આંદોલનનો માર્ગ, તો બીજાનો સરકાર સાથે સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો અભિગમ; રાજ્યભરના સંચાલકો મૂંઝવણમાં
ગુજરાતમાં ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ (સુધારા) વિધેયક-2026ના વિરોધ મુદ્દે ખાનગી શાળાઓનાં બે મુખ્ય સંગઠનોના અલગ-અલગ વલણને કારણે સંચાલકોમાં દ્વિધા ઊભી થઈ છે. એક સંગઠને સરકાર સામે અસહકાર આંદોલન શરૂ કરવાનો માર્ગ અપનાવ્યો છે, જ્યારે બીજા સંગઠને સરકાર સાથે ચર્ચા કરીને પ્રશ્નો ઉકેલવાની આશા વ્યક્ત કરી સંચાલકોને ધીરજ રાખવા અપીલ કરી છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળનો અસહકારનો માર્ગ
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે સભ્ય શાળાઓને અસહકાર આંદોલન અંતર્ગત કડક સૂચનાઓ આપી છે. સંગઠનનો આક્ષેપ છે કે શિક્ષણ વિભાગ અને સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં પડતર પ્રશ્નોનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. તાજેતરમાં રજૂ થયેલા શિક્ષણ સુધારા વિધેયકમાં ખાનગી શાળાઓને લાગુ ન પડતી કેટલીક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનો પણ સંગઠને વિરોધ નોંધાવ્યો છે.
આંદોલનના ભાગરૂપે આગામી સૂચના ન મળે ત્યાં સુધી FRC હેઠળ ફી વધારા માટેની દરખાસ્ત અથવા એફિડેવિટ રજૂ નહીં કરવા સભ્ય શાળાઓને જણાવાયું છે. આ ઉપરાંત પત્રિકાઓ સહિતની વિવિધ સરકારી પ્રવૃત્તિઓમાં અસહકાર દર્શાવવા પણ આહ્વાન કરવામાં આવ્યું છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળનો સંવાદ પર ભાર
બીજી તરફ, રાજ્ય શાળા સંચાલક મહામંડળે સરકાર સાથે ચર્ચા દ્વારા પ્રશ્નો ઉકેલવાનો અભિગમ અપનાવ્યો છે. સંગઠને શિક્ષણ સુધારા વિધેયક-2026, FRC, RTE રિઇમ્બર્સમેન્ટ, શાળાઓની વહીવટી સ્વાયત્તતા, કમ્પ્લાયન્સ પ્રક્રિયાનું સરળીકરણ, વિદ્યાર્થી-વાલી કોષ માટે એક ફંડ અને શાળા તથા સ્ટાફની સુરક્ષા સહિતના 10 મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા સરકાર પાસે સમય માંગ્યો છે.
સંગઠનના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ મુદ્દાઓ પર હકારાત્મક ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાની ખાતરી આપવામાં આવી છે. આથી સરકાર સાથેની અંતિમ બેઠક અને તેના પરિણામ સુધી તમામ શાળાઓને ધીરજ રાખવા તથા સંવાદની પ્રક્રિયા પૂર્ણ થવા દેવા અપીલ કરવામાં આવી છે.
બે સંગઠનોના અલગ વલણથી સંચાલકો મૂંઝવણમાં
રાજ્ય શાળા સંચાલક મહામંડળે સ્પષ્ટ કર્યું છે કે સરકાર સાથેની બેઠકના પરિણામ બાદ સંચાલકો સાથે પરામર્શ કરીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આમ, એક તરફ FRCની દરખાસ્ત અટકાવી અસહકાર આંદોલન આગળ ધપાવવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે બીજી તરફ સરકાર સાથે શાંતિપૂર્ણ સંવાદ દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ખાનગી શાળાઓના પડતર પ્રશ્નો અને શિક્ષણ સુધારા વિધેયકના વિરોધ વચ્ચે બંને સંગઠનોના અલગ-અલગ અભિગમને કારણે રાજ્યભરના શાળા સંચાલકોમાં હાલ કઈ દિશામાં આગળ વધવું તે અંગે મૂંઝવણની સ્થિતિ સર્જાઈ છે.










