જીતુભાઈ વાઘાણી અને સંજયસિંહ મહીડા સાથેની બેઠકમાં માંગણીઓ અંગે ચર્ચા; મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી
ગાંધીનગર: નાયબ મામલતદાર, મહેસૂલી તલાટી અને મહેસૂલી ક્લાર્ક સહિતના સંવર્ગોના પડતર પ્રશ્નોને લઈને ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા ચલાવવામાં આવતું આંદોલન રાજ્ય સરકાર સાથેની બેઠક બાદ સમેટવામાં આવ્યું છે. સરકાર તરફથી માંગણીઓના નિરાકરણ માટે હકારાત્મક ખાતરી મળતાં મહામંડળે આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી છે.
ગાંધીનગર ખાતે મંત્રી જીતુભાઈ વાઘાણી અને મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ, અન્ય ઉચ્ચ અધિકારીઓ અને મહામંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સામાન્ય જનતાને કોઈ અગવડ ન પડે તે માટે રાજ્ય સરકારે કર્મચારીઓના પ્રશ્નો પ્રત્યે હકારાત્મક અને સહાનુભૂતિપૂર્ણ અભિગમ અપનાવ્યો છે. જ્યારે રાજ્ય મંત્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, પ્રજાહિતને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે સકારાત્મક વાતાવરણમાં વાટાઘાટો કરવામાં આવી છે.
મહામંડળના પ્રમુખ જામસંગભાઈ પરમારે સરકાર તરફથી મળેલી ખાતરી બાદ આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીશ્રીઓ અને મહેસૂલ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. હવે કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર દ્વારા આગળ શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.










