આસો નવરાત્રિના પ્રથમ નોરતે ગુજરાતનાં પ્રસિદ્ધ શક્તિપીઠો અને યાત્રાધામોમાં ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. અંબાજી, પાવાગઢ, માતાના મઢ, ચોટીલા, બહુચરાજી અને ખેડબ્રહ્મા સહિતનાં મંદિરોમાં માતાજીનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવારની રજાનો સંયોગ હોવાથી અનેક યાત્રાધામોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.
અંબાજી: બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ અંબાજી મંદિરમાં નવરાત્રિના પ્રારંભે વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી. સરસ્વતી નદીના જળથી પૂજા શરૂ કરવામાં આવી હતી. મંદિરના અધિકારીઓ, પૂજારીઓ અને ભટ્ટજી મહારાજ સહિતના લોકો ધાર્મિક વિધિમાં જોડાયા હતા. પ્રથમ નોરતે માતાજીનાં દર્શન અને આરાધના માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા.
ચોટીલા: સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આવેલા મા ચામુંડા મંદિરને નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો. અહેવાલ મુજબ, રવિવારની રજાના દિવસે એક લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
બહુચરાજી: મહેસાણા જિલ્લાના યાત્રાધામ બહુચરાજીમાં પણ નવરાત્રિ મહોત્સવનો ધાર્મિક વિધિ સાથે પ્રારંભ થયો હતો. સવારે 7:30 વાગ્યે મુખ્ય પૂજારી તેજરાભાઈ રાવલના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે ટેમ્પલ ટ્રસ્ટના વહીવટદાર એ.કે. ઠક્કરના હસ્તે ઘટસ્થાપન કરવામાં આવ્યું હતું. મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કુંભ આગામી નવ દિવસ સુધી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહેશે. મંદિરના નવનિર્માણ કાર્યને કારણે આ વર્ષે નવરાત્રિ મહોત્સવ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે, જ્યાં વિવિધ કલાકારો ગરબાની રમઝટ બોલાવશે.
ખેડબ્રહ્મા: ખેડબ્રહ્મા સ્થિત શ્રી અંબિકા માતાજીના મંદિરમાં પણ નવરાત્રિના પ્રથમ નોરતે ઘટસ્થાપન વિધિ યોજાઈ હતી. માતાજીના અભિષેક, પૂજા અને આરતી સાથે નવરાત્રિનો પ્રારંભ થયો હતો. મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.
આ ઉપરાંત પાવાગઢ, માતાના મઢ તેમજ જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા મા અંબાજી અને વાઘેશ્વરી માતાજીના મંદિરોમાં પણ દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાં ‘જય માતાજી’ના નાદ સાથે નવરાત્રિ પર્વની ભક્તિભાવપૂર્વક શરૂઆત થઈ હતી.










