રાજકોટના તેલબજારમાં સીંગતેલના ભાવમાં ₹30નો ઉછાળો, કપાસિયા અને પામોલીન તેલ પણ મોંઘાં થતાં સામાન્ય જનતાના બજેટ પર વધારાનો બોજ
ખાદ્યચીજોના ભાવમાં સતત થઈ રહેલા વધારાથી સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. છેલ્લા પખવાડિયામાં કઠોળના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળ્યા બાદ હવે ખાદ્યતેલના ભાવમાં પણ ઉછાળો આવ્યો છે. રાજકોટના તેલબજારમાં આજે વિવિધ ખાદ્યતેલના ભાવમાં પ્રતિ ડબ્બે ₹10થી ₹30 સુધીનો વધારો નોંધાયો હતો.
સીંગતેલના ભાવમાં સૌથી વધુ ₹30નો વધારો થતાં એક ડબ્બાનો ભાવ ₹2,945થી વધીને ₹2,995 સુધી પહોંચી ગયો છે. બીજી તરફ, કપાસિયા તેલના ડબ્બામાં ₹10નો વધારો થતાં ભાવ ₹2,605થી ₹2,665ની સપાટીએ પહોંચ્યા છે. પામોલીન તેલના ભાવમાં પણ ₹10નો વધારો નોંધાતાં ડબ્બાનો ભાવ ₹2,325થી ₹2,340 થયો છે. આ ઉપરાંત રાયડાતેલ, સનફ્લાવર અને સોયાબીન તેલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, ખરીફ પાકનું ઉત્પાદન ધારણા કરતાં ઓછું રહેવાની શક્યતા અને તહેવારો દરમિયાન ખાદ્યતેલની વધતી માંગને કારણે બજારમાં ભાવ વધ્યા છે. બજારમાં હાલ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી.
કઠોળ બાદ ખાદ્યતેલના ભાવમાં થયેલા વધારાથી ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાવાની ભીતિ છે. જો ભાવવધારાનો આ ટ્રેન્ડ ચાલુ રહેશે, તો સામાન્ય ગ્રાહકોને દૈનિક જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવામાં વધુ ખર્ચ સહન કરવો પડી શકે છે.










