ગુજરાતમાં તહેવારોની સિઝન વચ્ચે ઓટોમોબાઈલ બજારમાં તેજી જોવા મળી છે. FADAના આંકડા મુજબ, સપ્ટેમ્બર 2026માં પેસેન્જર વાહનોના વેચાણમાં વાર્ષિક ધોરણે 19.6% અને ટુ-વ્હીલરના વેચાણમાં 13.6%નો વધારો નોંધાયો છે. જ્યારે ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 62.7%નો જબરદસ્ત ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં સપ્ટેમ્બર દરમિયાન કુલ 1,94,991 વાહનોનું રિટેલ વેચાણ થયું હતું, જે ગત વર્ષના 1,73,741 વાહનોની સરખામણીએ 12.2% વધુ છે. તેમાં 37,340 પેસેન્જર વાહનો અને 1,32,210 ટુ-વ્હીલરનો સમાવેશ થાય છે.
ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધીને 12,677 યુનિટ થયું છે. ટુ-વ્હીલર અને પેસેન્જર વાહનોમાં પણ EVનો હિસ્સો વધ્યો છે, જે ગ્રાહકોમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે વધતા આકર્ષણનો સંકેત આપે છે.
નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો દરમિયાન વાહનોની ખરીદી વધવાની આશા સાથે ડીલરો આગામી દિવસોમાં પણ સારા વેચાણની અપેક્ષા રાખી રહ્યા છે. ગુજરાતના ઓટોમોબાઈલ બજારમાં પરંપરાગત વાહનોની સાથે ઇલેક્ટ્રિક વાહનોની માંગ પણ સતત વધી રહી છે.










