મોરબીમાં બંધ કારખાનામાં ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, ત્રણ સગા ભાઈઓની ધરપકડ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

પંચાસર રોડ પર સાગર પ્લાસ્ટિકમાં પોલીસની રેડ; 54 ગેસ સિલિન્ડર સહિત રૂ.2.46 લાખનો મુદ્દામાલ જપ્ત, વધુ એક આરોપીનું નામ ખૂલ્યું

મોરબીના પંચાસર રોડ પર શિવમ હોલ પાછળ આવેલા સાગર પ્લાસ્ટિક નામના બંધ કારખાનામાં ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપાયું છે. સિટી એ ડિવિઝન પોલીસની ટીમે દરોડો પાડીને 54 ગેસ સિલિન્ડર સહિત કુલ રૂ.2,46,600નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે ત્રણ સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ એક શખ્સનું નામ સામે આવતાં તેની શોધખોળ શરૂ કરાઈ છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે બંધ કારખાનામાં તપાસ કરવામાં આવી હતી. ત્યાં ભરેલા ઘરેલુ ગેસ સિલિન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટર, નળી અને નોઝલની મદદથી ખાલી સિલિન્ડરમાં ગેસ ભરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. આ રીતે ગેસ રિફિલિંગ કરવાથી આગ કે અન્ય દુર્ઘટના સર્જાવાનું જોખમ રહેતું હોવાથી લોકોની સુરક્ષા સામે ગંભીર ખતરો ઊભો થયો હતો. ગ્રાહકોના સિલિન્ડરમાંથી ગેસ કાઢીને અન્ય સિલિન્ડરમાં ભરવામાં આવતો હોવાની પણ પોલીસને આશંકા છે.

રૂ.2.46 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે સ્થળ પરથી અલગ-અલગ કંપનીના 54 ગેસ સિલિન્ડર, એક છકડો રિક્ષા, એક્ટિવા, ગેસ રિફિલિંગમાં વપરાતી ઇલેક્ટ્રિક મોટર, નળી, નોઝલ, વજનકાંટો, રોકડ રકમ અને ત્રણ મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2,46,600નો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ કેસમાં યશ મનોજભાઈ ચૌહાણ (ઉં.વ.19), અમીર મનોજભાઈ ચૌહાણ (ઉં.વ.31) અને ધવલ મનોજભાઈ ચૌહાણ (ઉં.વ.21), ત્રણેય રહે. પારેખ શેરી, મોરબીની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન યમુનાનગરમાં રહેતા પ્રવીણભાઈ મનસુખભાઈ સારલાનું નામ સામે આવ્યું છે. પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં બે મહિલાઓ સારવાર હેઠળ

મોરબીના નવલખી ફાટક પાસે વહેલી સવારે પગપાળા જઈ રહેલાં અમદાવાદના મણિનગરનાં ક્રિષ્નાબેન કુંદનભાઈ મારવાડી (ઉં.વ.45)ને અજાણ્યા રિક્ષાચાલકે ટક્કર મારતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.

બીજી ઘટનામાં હળવદના સુંદરગઢ ગામે વસંતબેન નામનાં મહિલાને કાળા રંગની અજાણી કારના ચાલકે અડફેટે લીધાં હતાં. ઇજાગ્રસ્ત મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં.

અપહરણના ગુનામાં મોરબીમાંથી આરોપી ઝડપાયો

મધ્યપ્રદેશના ધાર જિલ્લાના તિરલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા અપહરણના ગુનાની તપાસ માટે ત્યાંની પોલીસ મોરબી આવી હતી. પીએસઆઈ ફુલકુંવરસિંહ સિસોદિયા અને રવિભાઈ ખરાડીએ મળેલી બાતમીના આધારે મોરબી તાલુકાના સાદુરકા ગામેથી જીવણ નંદરામ કટારા (ઉં.વ.25), વ્યવસાયે ડ્રાઇવર, મૂળ મધ્યપ્રદેશ અને હાલ સાદુરકા ખાતે રહેતા શખ્સને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને વધુ તપાસ માટે મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai