દુબઈની મફત મુસાફરીની લાલચ આપી પેસેન્જરો મારફતે 6.9 કિલો સોનું લાવવાનું કૌભાંડ; વડોદરાથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ
સુરતની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈની મફત મુસાફરીની લાલચ આપીને મુસાફરો મારફતે અંદાજે રૂ. 10 કરોડની કિંમતનું 6.9 કિલોગ્રામ સોનું ભારતમાં લાવવાના કૌભાંડનો ખુલાસો થયો છે. આ કેસમાં તપાસ આગળ વધારતાં DRIએ વડોદરામાંથી ટિકિટ બુકિંગ અને સોનું ગાળવાની કામગીરી સાથે સંકળાયેલા બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
દુબઈથી આવેલી ફ્લાઇટમાં તપાસ
મળતી વિગતો અનુસાર, 15 ઓક્ટોબર, 2026ના રોજ દુબઈથી સુરત આવેલી ઈન્ડિગોની ફ્લાઇટમાં DRIની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન ભરૂચના મુહમ્મદ આરિફ પટેલ નામના મુસાફરને અટકાવી તેની પૂછપરછ અને તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન કથિત આંતરરાષ્ટ્રીય ગોલ્ડ સ્મગલિંગ રેકેટના વડોદરા કનેક્શન અંગે માહિતી સામે આવતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો.
વડોદરાથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ
આરિફ પટેલ પાસેથી મળેલી માહિતીના આધારે DRIની ટીમે વડોદરામાં કાર્યવાહી કરીને જીશાન ખાન પઠાણ અને પ્રકાશ નારાયણ માને નામના બે શખ્સોને ઝડપી લીધા હતા. તપાસ મુજબ, જીશાન ખાન પઠાણ કથિત રીતે દાણચોરી માટે મુસાફરોની હવાઈ ટિકિટ બુક કરાવવાની જવાબદારી સંભાળતો હતો. જ્યારે પ્રકાશ નારાયણ માને વડોદરામાં ગેરકાયદે સોનાની ભઠ્ઠી ચલાવી સોનું ગાળવાની કામગીરી સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે.
તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, બંને આરોપીઓ દુબઈથી આવતા મુસાફરોના સંપર્કમાં રહી સોનું મેળવવાની કામગીરી કરતા હોવાની આશંકા છે. DRI દ્વારા આ કૌભાંડમાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ, સોનાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને તેનું આગળ શું કરવામાં આવતું હતું તે સહિતની કડીઓની તપાસ હાથ ધરવામાં આવી છે.










