છોટાહાથી અને ટાટા 407ની ટક્કરથી બે લોકોનાં જીવ ગયા; અકસ્માત સર્જી બંને વાહનચાલકો ફરાર, પોલીસ તપાસમાં
અમદાવાદમાં સૈજપુર બોઘા અને પીપળજ વિસ્તારમાં હિટ એન્ડ રનની બે અલગ-અલગ ઘટનાઓમાં બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. સૈજપુર બોઘામાં છોટાહાથીની ટક્કરથી ઈજાગ્રસ્ત થયેલા 54 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત થયું હતું. બીજી તરફ, પીપળજ નજીક ટાટા 407 ટેમ્પોએ બાઇકને ટક્કર મારતાં 33 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બંને બનાવમાં અકસ્માત સર્જીને ફરાર થયેલા વાહનચાલકો સામે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સૈજપુર બોઘામાં છોટાહાથીની ટક્કરથી આધેડનું મોત
સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય અરવિંદભાઈ પન્નાલાલ પરમાર 11 ઓક્ટોબરની સાંજે સૈજપુર ટાવરથી જી.ડી. ત્રણ રસ્તા તરફ જતા માર્ગ પર ભગવતી દૂધઘર પાસે પગપાળા પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન છોટાહાથીના અજાણ્યા ચાલકે પૂરઝડપે વાહન ચલાવી તેમને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો.
બનાવની જાણ થતાં અરવિંદભાઈના નાના ભાઈ વિષ્ણુભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તે સમયે અરવિંદભાઈ માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે બેભાન હાલતમાં પડેલા હતા. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 14 ઓક્ટોબરે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. અંતિમવિધિ બાદ અજાણ્યા છોટાહાથીચાલક સામે જી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પીપળજમાં ટાટા 407ની બાઇકને ટક્કર, યુવકનું ઘટનાસ્થળે મોત
બીજી ઘટના 19 ઓક્ટોબરની બપોરે પીપળજ નજીક બની હતી. દિપુકુમાર રામચન્દ્ર ચૌહાણ (ઉંમર 33) અને તેમના મિત્ર ગૌતમસિંગ કૃષ્ણગોપાલ રાજપુત (ઉંમર 36) મોટરસાઇકલ પર પીપળજથી મોતીપુરા ચાર રસ્તા તરફ જઈ રહ્યા હતા. નાકોડા કંપની પાસેના ચાર રસ્તા પર પહોંચતાં સામેથી આવતા ટાટા 407 ટેમ્પોના અજાણ્યા ચાલકે તેમની મોટરસાઇકલને ટક્કર મારી હતી.
ટક્કર લાગતાં બંને મિત્રો રસ્તા પર પટકાયા હતા. આ દરમિયાન ટેમ્પોનું ટાયર દિપુકુમારની છાતી અને પેટ પરથી ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. 108 એમ્બ્યુલન્સના કર્મચારીએ તેમને ઘટનાસ્થળે જ મૃત જાહેર કર્યા હતા. મોટરસાઇકલ પર પાછળ બેઠેલા ગૌતમસિંગને માથા અને ડાબા પગમાં ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બનાવની જાણ થતાં દિપુકુમારના ભાઈ માનસિંગ ચૌહાણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ તેમણે વી.એસ. હોસ્પિટલ ખાતે અકસ્માત સર્જીને ફરાર થયેલા ટેમ્પોચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને હિટ એન્ડ રનના બનાવમાં ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.










