21 ઓક્ટોબરથી અમલ, બંને દિશાની ટ્રેનોના આગમન અને પ્રસ્થાનનો સમય જાહેર
સૌરાષ્ટ્રના રેલવે મુસાફરો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસને ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ મંજૂર કરવામાં આવ્યો છે. આ નવો હોલ્ટ 21 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. આ નિર્ણયથી ચોરવાડ રોડ તથા આસપાસના વિસ્તારોના મુસાફરોને વધુ સુવિધા મળશે.
રેલવેના સુધારેલા સમયપત્રક મુજબ, બાંદ્રા ટર્મિનસથી વેરાવળ જતી ટ્રેન નંબર 19217 સવારે 5:49 વાગ્યે ચોરવાડ રોડ (CVR) સ્ટેશન પર પહોંચશે અને એક મિનિટના રોકાણ બાદ 5:50 વાગ્યે રવાના થશે.
તેવી જ રીતે, વેરાવળથી બાંદ્રા ટર્મિનસ તરફ જતી ટ્રેન નંબર 19218 બપોરે 12:15 વાગ્યે ચોરવાડ રોડ સ્ટેશન પર પહોંચશે અને એક મિનિટના રોકાણ બાદ 12:16 વાગ્યે આગળની મુસાફરી શરૂ કરશે.
સ્થાનિક મુસાફરોને મળશે લાભ
ચોરવાડ રોડ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ મળવાથી સ્થાનિક મુસાફરોને ટ્રેનમાં ચઢવા-ઉતરવાની વધુ અનુકૂળતા મળશે. ખાસ કરીને વેરાવળ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે આ નિર્ણય ઉપયોગી બની શકે છે. રેલવે દ્વારા મુસાફરોને મુસાફરીનું આયોજન કરતાં પહેલાં સુધારેલા સમયપત્રકની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.










