મનુબર ગામ નજીક કાર આઈસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાઈ; વડોદરા DCBમાં ફરજ બજાવતા PSI યશ પટેલ સહિત ત્રણ યુવાનોનાં કરુણ મોત, એક વ્યક્તિ ગંભીર
ભરૂચના મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કાર અને આઈસર ટેમ્પા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સહિત ત્રણ યુવાનોના મોત નીપજ્યાં હતાં. વડોદરાથી ભરૂચ તરફ આવી રહેલી કાર આગળ જઈ રહેલા આઈસર ટેમ્પા પાછળ જોરદાર રીતે અથડાઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
મિત્રને મળવા ભરૂચ જતાં અકસ્માત નડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરા DCB બ્રાન્ચમાં ફરજ બજાવતા PSI યશ પટેલ પોતાના મિત્રો સાથે એક મિત્રને મળવા માટે ભરૂચ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન મનુબર ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર તેમની કાર આગળ જઈ રહેલા આઈસર ટેમ્પા પાછળ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ગંભીરતાને કારણે કારને ભારે નુકસાન થયું હતું અને વાહન રોડ પર પલટી મારી ગયું હતું.
આ દુર્ઘટનામાં PSI યશ પટેલ, મહેસાણાના 27 વર્ષીય પાર્થ પટેલ અને 28 વર્ષીય અસફાક મોનીનનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આઈસરચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ
અકસ્માત બાદ આઈસર ટેમ્પાનો ચાલક વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ ભરૂચ તાલુકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી હતી.
પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ફરાર આઈસરચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હાઈવે પર બનેલી આ ગંભીર દુર્ઘટનાને પગલે મૃતકોના પરિવારજનો અને મિત્રવર્તુળમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.










