રૂરલ LCBએ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો; બોટાદના વાહનચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો, મહિલા સહિત વધુ બેની શોધખોળ
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામે ગ્રામ પંચાયતની પાણીની મોટરનો કેબલ વાયર ચોરી કરવાના ગુનાનો ભેદ રાજકોટ રૂરલ LCBએ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી ચોરાઉ કોપર વાયર અને બાઈક સહિત કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમિયાન બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ મથકમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલાયો છે. આ કેસમાં મહિલા સહિત વધુ બે શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા મિલકત સંબંધી વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને ઝડપી પાડવા સૂચના આપવામાં આવી હતી. મોટા માત્રા ગ્રામ પંચાયતની પાણીની મોટરનો કેબલ વાયર ચોરાયો હોવા અંગે વિંછીયા પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ રૂરલ LCBના PI જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ ટીમોએ તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારનાં CCTV ફૂટેજ તપાસ્યાં હતાં.
CCTV ફૂટેજમાં બે પુરુષ અને એક મહિલા શંકાસ્પદ રીતે જોવા મળતાં પોલીસે હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ વધારી હતી. દરમિયાન રેવાણીયા-વિંછીયા રોડ પર વિંછીયા રાંદલમા મંદિર નજીક એક બાઈકને અટકાવી તપાસ કરતાં તેના પર સવાર બે શખ્સો પાસેથી આધાર-પુરાવા વગરના કોપર વાયરના ગૂંચળા અને બાઈક મળી આવ્યાં હતાં.
પોલીસે બાઈકચાલક પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મદુરિયાની પૂછપરછ કરતાં તેણે આશરે 12 દિવસ પહેલાં બોટાદ જિલ્લાના અણિયારી કાઠી ગામેથી બાઈક ચોર્યું હોવાની કબૂલાત આપી હતી. જ્યારે બાઈક પાછળ બેઠેલા સંજય ઉર્ફે સદો ખેંગારભાઈ મદુરિયાએ આશરે 20 દિવસ પહેલાં રાત્રિના સમયે મોટા માત્રા ગામેથી કેબલ વાયર ચોર્યો હોવાની કબૂલાત આપી હતી.
આથી પોલીસે પ્રભાત ઉર્ફે કાળુ ખેંગાર મદુરિયા અને સંજય ઉર્ફે સદો ખેંગાર મદુરિયા, બંને રહે. કસવાળી, તા. સાયલા,ની ધરપકડ કરી કુલ રૂ. 25 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સંજય ઉર્ફે સદોએ તેની પત્ની સોના મદુરિયા અને તેના સાળા ભલી વસુ સાઢમીયા, રહે. ખારચીયા, તા. વિંછીયા, સાથે મળીને મોટા માત્રા ગામે કેબલ વાયર ચોર્યો હોવાની કબૂલાત આપી હતી. જ્યારે પ્રભાત ઉર્ફે કાળુએ બોટાદમાં બાઈકચોરી કરી હતી અને કેબલ વાયર ચોરીના મુદ્દામાલને સગેવગે કરવામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે.
આમ, રૂરલ LCBની કાર્યવાહીમાં કેબલ વાયર ચોરી અને બાઈકચોરી એમ બે ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે મહિલા સહિત વધુ બે શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.










