ઓલપાડના કુડસદ ગામ નજીક બાઇકચાલકે કાબૂ ગુમાવ્યો; ચોથા મિત્રની હાલત ગંભીર, ઘટનાસ્થળે લોકોનાં ટોળાં ઉમટ્યાં
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુડસદ ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રિજ પરથી બાઇક પર પસાર થઈ રહેલા ચાર મિત્રો ચાલકે કાબૂ ગુમાવતાં આશરે 50 ફૂટ નીચે પટકાયા હતા. આ દુર્ઘટનામાં એક મિત્રનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે મિત્રોએ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ચોથા મિત્રની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતની ઘટના બનતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ચારેય મિત્રો બ્રિજ પરથી નીચે પટકાતાં લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા હતા. સ્થાનિકોએ તાત્કાલિક મદદનો પ્રયાસ કરી 108 એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી હતી.
ત્રણ મિત્રોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. અકસ્માત અંગે વધુ વિગતો મેળવવા અને ઘટનાના કારણની તપાસ માટે પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










