નવરાત્રી અને દશેરાના તહેવારો દરમિયાન ગ્રાહકોને મીઠાઈ, ફરસાણ અને ડ્રાયફ્રૂટની ખરીદીમાં વજન અંગે છેતરપિંડીનો ભોગ બનવું ન પડે તે હેતુથી કાનૂની માપવિજ્ઞાન અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યવ્યાપી તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગ્રાહક સુરક્ષા મંત્રી રમણભાઈ સોલંકીની સૂચનાથી હાથ ધરાયેલી આ ઝુંબેશમાં રાજ્યભરમાં 455 દુકાનોની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન વિવિધ ગેરરીતિઓ બદલ 251 એકમો સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત માંડવાળ ફી તરીકે અંદાજે રૂ. 5.42 લાખ વસૂલ કરવામાં આવ્યા હતા. વિભાગના મદદનીશ નિયંત્રકો અને ઇન્સ્પેક્ટરો દ્વારા મીઠાઈ, ફરસાણ તથા ડ્રાયફ્રૂટની દુકાનોમાં કાયદાકીય જોગવાઈઓનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી.
તપાસમાં ગ્રાહકોને ઓછું વજન આપવું, વજનકાંટાનું પુનઃચકાસણી અને મુદ્રાંકન ન કરાવવું, ખરાઈનું પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું તથા પેકર તરીકે નોંધણી ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી હતી.
ગ્રાહકોને વજનમાં ઓછું આપવાની કે મહત્તમ છૂટક કિંમત (MRP) કરતાં વધુ ભાવ વસૂલવાની ફરિયાદ હોય તો ગુજરાત રાજ્યની ટોલ-ફ્રી હેલ્પલાઇન 1800-233-0222 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત, રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 પર પણ ફરિયાદ નોંધાવી અથવા માર્ગદર્શન મેળવી શકાય છે.










