5 હજારથી વધુ કલાકારો 50થી વધુ લોકનૃત્યો અને સાંસ્કૃતિક કલાઓ રજૂ કરશે; હસ્તકલા બજાર, હેન્ડલૂમ અને દેશભરની વાનગીઓ બનશે મુખ્ય આકર્ષણ
એકતાનગરઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના સાનિધ્યમાં એકતાનગર ખાતે ‘ભારત પર્વ-2026’ના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભારત સરકારના પર્યટન મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંયુક્ત આયોજન હેઠળ 1થી 15 નવેમ્બર દરમિયાન આ મહોત્સવ યોજાશે. ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરવાના હેતુથી યોજાનારા આ પર્વમાં દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સાંસ્કૃતિક વિરાસતની ઝલક જોવા મળશે.
5 હજાર કલાકારોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ
ભારત પર્વ દરમિયાન અંદાજે 5,000 કલાકારો ભાગ લેશે અને 50થી વધુ પ્રકારનાં લોકનૃત્યો, સંગીત તથા પરંપરાગત કળાઓની પ્રસ્તુતિ કરશે. દેશના અલગ-અલગ પ્રદેશોની લોકસંસ્કૃતિ, પરંપરા અને કલા એક જ મંચ પર રજૂ થતાં મુલાકાતીઓને ભારતની વિવિધતાનો અનોખો અનુભવ મળશે.
હસ્તકલા, હેન્ડલૂમ અને દેશી વાનગીઓનું આકર્ષણ
સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે વિવિધ રાજ્યોની પરંપરાગત હસ્તકલા, હેન્ડલૂમ અને પ્રાદેશિક વાનગીઓ પણ મહોત્સવનું મુખ્ય આકર્ષણ બનશે. મુલાકાતીઓ માટે રાજ્ય અને કેન્દ્રીય મંત્રાલયોના પેવેલિયન, હસ્તકલા બજાર તથા દેશભરની વાનગીઓથી સજ્જ ફૂડ કોર્ટ ઊભાં કરવામાં આવશે.
આ વ્યવસ્થાથી પ્રવાસીઓને એક જ સ્થળે ભારતનાં વિવિધ રાજ્યોની સંસ્કૃતિ, પરંપરાગત કળાઓ, વસ્ત્રો અને પ્રાદેશિક વ્યંજનોનો અનુભવ કરવાની તક મળશે.
એકતાનગરનાં અન્ય પ્રવાસન સ્થળો પણ આકર્ષણનું કેન્દ્ર
ભારત પર્વમાં ભાગ લેવા આવતા પ્રવાસીઓ માટે એકતાનગરનાં અન્ય પ્રવાસન સ્થળો પણ ખાસ આકર્ષણરૂપ રહેશે. એકતા પ્રકાશ પર્વ, નર્મદા ક્રુઝ, વેલી ઑફ ફ્લાવર્સ અને જંગલ સફારી સહિતનાં સ્થળોની મુલાકાત પ્રવાસીઓના પ્રવાસને વધુ યાદગાર બનાવી શકે છે.
રાષ્ટ્રીય એકતા અને પ્રવાસનને મળશે વેગ
‘ભારત પર્વ-2026’નો મુખ્ય હેતુ દેશના વિવિધ પ્રદેશોની સાંસ્કૃતિક વિરાસતને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે. 15 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવથી એકતાનગરમાં પ્રવાસીઓની અવરજવર વધવાની સાથે સ્થાનિક વેપાર, રોજગારી અને પ્રવાસન ક્ષેત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે.










