સરદાર પટેલની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એકતાનગરમાં ‘આનંદમઠ’નું ભવ્ય મંચન

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે NSDના 300 કલાકારો રજૂ કરશે 90 મિનિટનું નાટક; વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે યોજાશે કાર્યક્રમ

રાજપીપળાઃ સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિની પૂર્વસંધ્યાએ એકતાનગર ખાતે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની ઐતિહાસિક નવલકથા ‘આનંદમઠ’નું ભવ્ય નાટ્યમંચન યોજાશે. 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ડેમ વ્યૂ પોઇન્ટ-1 ખાતે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD) દ્વારા આ વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે.

આશરે 100 બાય 100 ફૂટના વિશાળ મંચ પર 300 જેટલા કલાકારોની ભાગીદારીથી 90 મિનિટની આ નાટ્યપ્રસ્તુતિ તૈયાર કરવામાં આવી છે. ઐતિહાસિક સાહિત્ય, અભિનય અને દૃશ્યકળાના સમન્વયથી રજૂ થનારા આ નાટકમાં દેશપ્રેમ, માતૃભૂમિ પ્રત્યેનું સમર્પણ અને રાષ્ટ્રીય ચેતનાની ભાવનાઓને ઉજાગર કરવામાં આવશે.

બંકિમચંદ્રના પરિવારજનો પણ પ્રસ્તુતિ નિહાળશે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આમંત્રણથી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના પરિવારજનો શાંતનુ ચટ્ટોપાધ્યાય, બરનાલી ચટ્ટોપાધ્યાય અને સુમિત્રો ચટ્ટોપાધ્યાય પણ આ ઐતિહાસિક પ્રસ્તુતિ નિહાળવા ઉપસ્થિત રહેશે. આથી કાર્યક્રમનું વિશેષ મહત્ત્વ વધ્યું છે.

‘આનંદમઠ’ અને ‘વંદે માતરમ’નો ઐતિહાસિક સંબંધ

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે વર્ષ 1882માં રચેલી ‘આનંદમઠ’ નવલકથા ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. દેશપ્રેમ, ત્યાગ અને માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠા આ કૃતિના મુખ્ય વિષયો છે. ભારતનું રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ પણ મૂળ આ જ નવલકથાનો ભાગ છે. સ્વાતંત્ર્યસંગ્રામ દરમિયાન આ ગીતે દેશભક્તિ અને રાષ્ટ્રીય જાગૃતિની ભાવનાને પ્રેરણા આપી હતી.

વર્ષ 1952માં આ નવલકથા પરથી હિન્દી ફિલ્મ ‘આનંદ મઠ’ પણ બનાવવામાં આવી હતી. હેમેન ગુપ્તાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે અભિનય કર્યો હતો. હવે નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા આ ઐતિહાસિક કૃતિને ભવ્ય રંગમંચીય સ્વરૂપમાં રજૂ કરવામાં આવશે.

સરદાર પટેલના એક ભારતના વિચારને સમર્પિત પ્રસ્તુતિ

સરદાર વલ્લભભાઈ પટેલે સ્વતંત્રતા બાદ દેશનાં રજવાડાંઓના એકીકરણમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી. તેમની 151મી જન્મજયંતિના અવસરે એકતાનગરમાં ‘આનંદમઠ’નું મંચન રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક વારસો અને દેશપ્રેમની ભાવનાઓને એકસાથે રજૂ કરશે.

સ્ટેચ્યુ ઑફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાનારી આ પ્રસ્તુતિ દ્વારા નવી પેઢીને ભારતીય સાહિત્ય, ઇતિહાસ અને સ્વાતંત્ર્યસંગ્રામની પ્રેરણાદાયી ગાથાથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. ‘વંદે માતરમ’ની રાષ્ટ્રભાવના અને સરદાર પટેલના અખંડ ભારતના વિચારને સાંકળતું આ નાટ્યમંચન રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું વિશેષ આકર્ષણ બનશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

और पढ़ें

Buzz4 Ai