નવસારી: જિલ્લામાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિ વચ્ચે જિલ્લા વહીવટીતંત્રે યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરી હાથ ધરી છે. NDRF, SDRF, ભારતીય સેના અને સ્થાનિક તરવૈયાઓના સંયુક્ત પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાંથી 14 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
રાતભર ચાલેલા બચાવ અભિયાન દરમિયાન અસરગ્રસ્તોને સલામત સ્થળે પહોંચાડવાની સાથે આશ્રયસ્થાનોમાં ભોજન, પીવાનું પાણી, આરોગ્ય સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ભારતીય સેના પણ બચાવ કામગીરીમાં જોડાતાં રેસ્ક્યૂ ઓપરેશનને વધુ ગતિ મળી છે. વહીવટીતંત્ર, બચાવ દળો અને સ્થાનિક તરવૈયાઓના સંકલિત પ્રયાસોથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપથી રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા વહીવટીતંત્રે નાગરિકોને અફવાઓથી દૂર રહી માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા તેમજ જરૂર જણાય ત્યારે સ્થળાંતર માટે તંત્રને સહકાર આપવા અપીલ કરી છે. હાલ સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખીને રાહત અને બચાવ કામગીરી યથાવત ચાલુ રાખવામાં આવી છે.
Author: United Times
DAILY NEWS










