ટેસ્ટિંગમાં ફ્લેશ પોઈન્ટ ઘટતાં સુરક્ષાના કારણોસર યોજના મુલતવી
નવી દિલ્હી: E20 પેટ્રોલ અંગે ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકારે ડીઝલમાં ઈથેનોલ ભેળવવાની યોજના હાલ પૂરતી મુલતવી રાખી છે. સરકારના જણાવ્યા મુજબ સુરક્ષાના કારણોસર હાલમાં ડીઝલમાં ઈથેનોલ બ્લેન્ડિંગ કરવામાં આવશે નહીં.
પેટ્રોલિયમ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ રાજ્યસભામાં જણાવ્યું કે સરકારી ઓઈલ કંપનીઓએ સંશોધન કેન્દ્રો, ઓટોમોબાઈલ કંપનીઓ અને પ્રમાણિત લેબોરેટરીઓ સાથે મળીને ડીઝલમાં ઈથેનોલ ભેળવવાના પરીક્ષણો કર્યા હતા.
પરીક્ષણ દરમિયાન ઈથેનોલના મિશ્રણથી ડીઝલનો ફ્લેશ પોઈન્ટ નોંધપાત્ર રીતે ઘટી ગયો, જેના કારણે બ્લેન્ડેડ ડીઝલ નિર્ધારિત સુરક્ષા ધોરણો પર ખરો ઉતર્યો નહોતો. આ કારણસર હાલમાં ડીઝલમાં ઈથેનોલ ભેળવવાનો નિર્ણય અટકાવી દેવામાં આવ્યો છે.
બીજી તરફ સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઈથેનોલ ભેળવવાનો કોઈ નિર્ણય નથી. ભવિષ્યમાં પ્રમાણ વધારવામાં આવશે તો વૈજ્ઞાનિક અને ટેકનિકલ અભ્યાસ બાદ નિર્ણય લેવાશે.
સરકારના જણાવ્યા મુજબ ARAI, SIAM અને ઈન્ડિયન ઓઈલ દ્વારા કરાયેલા લેબ ટેસ્ટ તથા ફીલ્ડ ટ્રાયલમાં E20 પેટ્રોલ એન્જિનની લાઈફ, કામગીરી અને ફ્યુઅલ એફિશિયન્સીના માપદંડો પર યોગ્ય સાબિત થયું છે.










