નાના દહીંસરા પાસે LCBની રેડ; રૂ. 66 હજારથી વધુનો મુદ્દામાલ કબજે
માળીયા મિયાણા: મોરબી જિલ્લા LCBની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે નાના દહીંસરા ગામ નજીક આવેલા ડેલામાં દરોડો પાડ્યો હતો. રેલવે ફાટક સામે કાચા રસ્તા પર આવેલા ડેલાની પતરાની ઓરડીમાંથી પોલીસે દારૂની 117 બોટલ ઝડપી પાડી હતી.
મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે રહેતા વિજયભાઈ નારણભાઈ ચાવડા અને રાજકોટના હરેશભાઈ નરસીભાઈ બારોટના કબજા-ભોગવટાવાળા ડેલામાં દારૂનો જથ્થો હોવાની બાતમી LCBને મળી હતી.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ કરતા પતરાની ઓરડીમાંથી દારૂની 117 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ સહિતનો અંદાજે રૂ. 66,105નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બંને શખ્સો સ્થળ પર હાજર ન હતા
પોલીસની રેડ દરમિયાન વિજયભાઈ ચાવડા અને હરેશભાઈ બારોટ સ્થળ પર હાજર મળી આવ્યા ન હતા. જેથી પોલીસે બંને વિરુદ્ધ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે.
બંને શખ્સોને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.










