અકસ્માતમાં મોતને ભેટેલા ટુ-વ્હીલર ચાલકોમાં 10માંથી 8એ હેલ્મેટ પહેર્યું ન હતું
અમદાવાદ: ગુજરાતમાં માર્ગ અકસ્માતોની ગંભીર સ્થિતિ સામે આવી છે. ફરજિયાત હેલ્મેટના કાયદા છતાં તેનો અમલ નબળો પડતાં ટુ-વ્હીલર ચાલકો માટે જોખમ વધી રહ્યું છે. આંકડા મુજબ અકસ્માતમાં મોતને ભેટનારા 10માંથી 8 ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું.
2024માં 81% મૃતક ટુ-વ્હીલર ચાલકોએ હેલ્મેટ પહેર્યું ન હતું
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સમીક્ષા બેઠકમાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ વર્ષ 2024માં માર્ગ અકસ્માતોમાં 3,717 લોકોના મોત થયા હતા. તેમાંથી આશરે 48.3% એટલે કે મોટી સંખ્યામાં ટુ-વ્હીલર ચાલકો સામેલ હતા.
મૃતક ટુ-વ્હીલર ચાલકોમાંથી 3,015 એટલે કે 81% લોકોએ અકસ્માત સમયે હેલ્મેટ પહેર્યું ન હતું. એટલે માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા 10માંથી આશરે 8 ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ વિના હતા.
ગુજરાતમાં 48.7% અકસ્માતો જીવલેણ
રિપોર્ટ મુજબ 2015માં રાજ્યમાં 23,183 માર્ગ અકસ્માતોમાં 8,119 લોકોના મોત થયા હતા. ત્યારે જીવલેણ અકસ્માતોની ટકાવારી લગભગ 35% હતી.
જ્યારે 2025માં અકસ્માતોની સંખ્યા ઘટીને 16,181 થઈ હોવા છતાં 7,889 લોકોના મોત થયા હતા. પરિણામે કુલ અકસ્માતોમાં જીવલેણ અકસ્માતોની ટકાવારી વધીને 48.7% થઈ ગઈ હતી.
ત્રણ વર્ષમાં અકસ્માત મૃત્યુઆંકમાં વધારો
2022થી 2025 દરમિયાન જીવલેણ માર્ગ અકસ્માતોમાં 3.6%નો વધારો નોંધાયો હતો. આ સમયગાળામાં અકસ્માતમાં મૃત્યુઆંક 7,678થી વધીને 7,889 થયો હતો.
ગંભીર ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થયો છે. ગંભીર ઈજાના કેસો 8,782થી વધીને 9,870 થયા છે, એટલે કે આશરે 12.4%નો વધારો નોંધાયો છે.
અમદાવાદમાં હેલ્મેટ દંડના રૂ.134 કરોડ
2025 દરમિયાન માત્ર અમદાવાદમાં જ ટુ-વ્હીલર ચાલકો પાસેથી હેલ્મેટ સંબંધિત નિયમોના ભંગ બદલ આશરે રૂ.134 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
સર્વે મુજબ 10માંથી લગભગ 7 ટુ-વ્હીલર ચાલકો હેલ્મેટ વિના વાહન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને પાછળ બેઠેલા વ્યક્તિ દ્વારા હેલ્મેટ પહેરવાનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.
સાબરકાંઠામાં જીવલેણ અકસ્માતોમાં સૌથી વધુ વધારો
રિપોર્ટ મુજબ રાજ્યના 17 જિલ્લાઓમાં કુલ જીવલેણ માર્ગ અકસ્માતોના આશરે 60% કેસ નોંધાયા હતા.
2022થી 2025 દરમિયાન સાબરકાંઠામાં જીવલેણ માર્ગ અકસ્માતોમાં 32%નો વધારો થયો હતો. જ્યારે ભરૂચમાં 29% અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 20%નો વધારો નોંધાયો હતો.
અમદાવાદ અને સુરત શહેરમાં 2025 દરમિયાન 300થી વધુ લોકોના માર્ગ અકસ્માતોમાં મોત થયા હતા. બંને શહેરોમાં જીવલેણ અકસ્માતોમાં અનુક્રમે 17% અને 14%નો વધારો નોંધાયો હતો.
માત્ર હેલ્મેટ અને ઓવરસ્પીડને જ જવાબદાર ન ગણાય
માર્ગ સુરક્ષા નિષ્ણાતોના મતે દરેક જીવલેણ અકસ્માત પાછળ માત્ર હેલ્મેટ ન પહેરવું કે ઓવરસ્પીડ જવાબદાર નથી. અકસ્માતના કારણોની યોગ્ય અને વૈજ્ઞાનિક તપાસ કરવી જરૂરી છે.
નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના અહેવાલમાં ગુજરાતના 97% માર્ગ અકસ્માતો પાછળ ઓવરસ્પીડને કારણ ગણાવવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
કાયદાનો કડક અમલ જરૂરી
નિષ્ણાતોએ માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હેલ્મેટના નિયમનો કડક અમલ, સ્થળ પર અસરકારક દંડ, ઈ-ચલણની વસૂલાત અને વાહનચાલકોમાં સતત જનજાગૃતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે હેલ્મેટનો ઉપયોગ અને ટ્રાફિક નિયમોનું પાલન માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ જીવન બચાવવા માટે અત્યંત જરૂરી છે.










