સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા, શહેરમાં દેશભક્તિનો માહોલ છવાયો
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 13 ઓગસ્ટે ભવ્ય **‘તિરંગા યાત્રા’**નું આયોજન કરવામાં આવ્યું હતું. યાત્રામાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો જોડાતા શહેરના રસ્તાઓ પર જાણે ‘તિરંગો મહાસાગર’ સર્જાયો હતો.
મેયર ડૉ. નેહલ શુક્લ સહિતના મહાનુભાવોએ તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરાવી હતી. ચૌધરી હાઈસ્કૂલ રોડથી શરૂ થયેલી યાત્રા જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલી પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા સુધી પહોંચી હતી.
યાત્રામાં ધારાસભ્યો, ભાજપના આગેવાનો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પોલીસ તથા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત સામાજિક-ધાર્મિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, ઔદ્યોગિક એસોસિએશનો, NGO, NSS-NCC, શાળાઓ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
યાત્રાના રૂટ પર તિરંગા વિતરણ માટે કાઉન્ટર, પાણી અને મેડિકલ ટીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સ્ટેજ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ બેન્ડ અને ફાયર બ્રિગેડની ટીમ પણ તૈનાત રહી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા રાસ-ગરબા અને આદિવાસી નૃત્ય સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
મેયર ડૉ. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે નવી પેઢીમાં રાષ્ટ્રભાવના અને ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવની ભાવના મજબૂત કરવા આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ છે. સાથે જ ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવા નાગરિકોની સહભાગિતા જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
મેયરે સ્વચ્છતાનો સંદેશ આપતાં જાહેરમાં કચરો નહીં ફેંકવાનો સંકલ્પ કરવા પણ અપીલ કરી હતી. અંતે જ્યુબિલી ગાર્ડનમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તિરંગા યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.










