રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર જુગાર સામે રાજકોટ રેન્જ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જેતપુર-જૂનાગઢ હાઇવે પર આવેલી વ્રજ વાટિકા હોટલમાં ચાલતા તીનપત્તીના જુગારધામ પર દરોડો પાડી 9 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને રેન્જ પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ PSI બી.સી. મીયાત્રા સહિતની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ હોટલના રૂમમાં બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો નસીબ આધારિત જુગાર રમાડવામાં આવતો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી 9 ઇસમો મળી આવતા તમામને ઝડપી લેવાયા હતા.
પોલીસે સ્થળ પરથી રૂ.12.26 લાખ રોકડા, બે કાર અને 7 મોબાઇલ ફોન સહિત કુલ રૂ.41.26 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જેમાં બે કારની કિંમત આશરે રૂ.28 લાખ અને મોબાઇલની કિંમત આશરે રૂ.1 લાખ હોવાનું જણાવાયું છે.
ઝડપાયેલા 9 શખ્સો
પરેશભાઇ ઉર્ફે બટર ભિખુભાઇ કાછડીયા, હરેશભાઇ છગનભાઇ સેંજલીયા, ગોગનભાઇ નાથાભાઇ પરમાર, માયાભાઇ જાડાભાઇ માયાણી, રામજીભાઇ ઉર્ફે રામદે ગોગનભાઇ ભોગેસરા, ભાવેશભાઇ રસિકભાઇ ધુળેસીયા, અનિલભાઇ શાંતીભાઇ વેકરીયા, સનાભાઇ દેવાભાઇ બામણીયા અને દીપકભાઇ જમનભાઇ પોલરાનો સમાવેશ થાય છે.
તમામ સામે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હોટલ સંચાલનની ભૂમિકા પણ તપાસ હેઠળ
હોટલના રૂમમાં બહારથી લોકોને બોલાવી જુગાર રમાડવામાં આવતો હોવાની હકીકત સામે આવતા રૂમનો ઉપયોગ કોની જાણકારીમાં અને કેવી રીતે કરવામાં આવતો હતો તે અંગે પણ પોલીસ વધુ તપાસ કરી શકે છે.
રૂ.41.26 લાખના મુદ્દામાલ સાથે 9 શખ્સો ઝડપાતા રાજકોટ રેન્જની આ કાર્યવાહીથી ગેરકાયદેસર જુગાર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.










