ધ્વજવંદન, પોલીસ પરેડ અને વિદ્યાર્થીઓના પિરામિડ કાર્યક્રમથી દેશભક્તિનો માહોલ છવાયો
વેરાવળ ખાતે 77મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક (SP)ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ માનસિંહભાઈ પરમાર, નગરપાલિકા પ્રમુખ નરેશભાઈ ગોહેલ, કારોબારી ચેરમેન ઉદયભાઈ શાહ, ઉદ્યોગપતિ લખમભાઈ ભેસલા સહિત વેપારી મહામંડળના અગ્રણીઓ, પત્રકારો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત બોયઝ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રિન્સિપાલ ખાંભલા સાહેબના માર્ગદર્શન હેઠળ સાહસિક પિરામિડ કાર્યક્રમ રજૂ કર્યો હતો, જે કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યો હતો.
આ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવનાર પ્રતિભાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વેરાવળ વેપારી મહામંડળ તથા ઉદ્યોગપતિ લખમભાઈ ભેસલા તરફથી પ્રતિભાશાળી વ્યક્તિઓને પુરસ્કારો એનાયત કરાયા હતા.
‘દેશ પ્રથમ’ની ભાવના સાથે યોજાયેલી આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં દેશપ્રેમ, રાષ્ટ્રગૌરવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.










