જુગારના કેસમાં 7 ઝડપાયા, 7 વોન્ટેડ; દેશી દારૂના કેસમાં પણ કાર્યવાહી
અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી હતી. શિવાનંદનગરના ગેટ નજીક પ્લાસ્ટિક વેસ્ટના ભંગારના ગોડાઉન આગળ જાહેરમાં દરોડો પાડી વરલી મટકાનો જુગાર અને દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
જુગારના દરોડામાં SMCએ રૂ.1,01,670 રોકડા તથા જુગારના સાહિત્ય સહિત કુલ રૂ.2,43,870નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં કુલ 14 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 7 આરોપીઓ ઝડપાયા છે જ્યારે 7ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત દરોડા દરમિયાન 180.9 લીટર દેશી દારૂ, કિંમત રૂ.36,180, સહિત કુલ રૂ.59,320નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દારૂના કેસમાં બે આરોપીઓ ઝડપાયા છે.
જુગાર મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે. જ્યારે દારૂના કેસમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(E), 81 તથા ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(B) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
SMCની કાર્યવાહી બાદ અમરાઈવાડી વિસ્તારમાં ગેરકાયદેસર જુગાર અને દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.










