GSRTCના મુસાફર પાસમાં 50 ટકા સુધીનો લાભ, માસિક પાસ હવે માત્ર 15 દિવસના ભાડામાં
રાજ્યમાં એસ.ટી. બસ દ્વારા રોજિંદી મુસાફરી કરતા નોકરિયાતો, વેપારીઓ અને ધંધાર્થીઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ મોટી રાહત જાહેર કરી છે. દૈનિક મુસાફર પાસ યોજનામાં ફેરફાર કરીને માસિક અને ત્રિમાસિક પાસના ભાડામાં ઘટાડો કરવામાં આવ્યો છે.
નવા નિયમ મુજબ માસિક પાસ માટે અગાઉ 18 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જે હવે ઘટાડીને 15 દિવસનું ભાડું કરવામાં આવ્યું છે. એટલે કે મુસાફરો 15 દિવસના ભાડામાં સતત 30 દિવસ સુધી મુસાફરી કરી શકશે.
તેવી જ રીતે ત્રિમાસિક પાસ માટે અગાઉ 54 દિવસનું ભાડું ચૂકવવું પડતું હતું, જે હવે ઘટાડી 45 દિવસનું કરવામાં આવ્યું છે. આથી મુસાફરો 45 દિવસના ભાડામાં 90 દિવસ સુધી મુસાફરીનો લાભ મેળવી શકશે.
નિગમના આ નિર્ણયથી રાજ્યમાં દૈનિક અપડાઉન કરતા 2.5 લાખથી વધુ નોકરિયાતો તથા નાના-મોટા વેપારીઓ અને ધંધાર્થીઓને સીધો લાભ મળશે. પાસ ધારકોને સરેરાશ રૂ.400થી રૂ.800 સુધીની બચત થવાની શક્યતા છે.
દૈનિક મુસાફરો અને ધંધાર્થી વર્ગ દ્વારા લાંબા સમયથી પાસમાં વધુ રાહત આપવા રજૂઆતો કરવામાં આવી રહી હતી. મુસાફર હિતને ધ્યાનમાં રાખીને તા.10 ઓગસ્ટે મળેલી નિગમના સંચાલક મંડળની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ રાજકોટ વિભાગમાં આશરે 3 હજાર મુસાફરો આ પાસ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ભાડામાં ઘટાડાથી રોજિંદા મુસાફરીનો ખર્ચ ઘટશે અને વધુ લોકો જાહેર પરિવહન સેવાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત થશે.










