લઠ્ઠાકાંડ બાદ પોલીસ અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક
ગાંધીનગર : નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે ગાંધીનગરમાં રાજ્યની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠકમાં રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યની વર્તમાન સ્થિતિની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓ અને મહાનગરોના પોલીસ વડાઓ વર્ચ્યુઅલ માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
બેઠક દરમિયાન રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ કામગીરી અને વિવિધ વિસ્તારોમાં સુરક્ષાને લગતા મુદ્દાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. નાગરિકોની સુરક્ષા જળવાઈ રહે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે ભાવનગરના લઠ્ઠાકાંડ બાદ ગૃહ વિભાગ વધુ સક્રિય બન્યો છે. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓને વિવિધ સ્તરે કામગીરી માટે દોડાવવામાં આવ્યા છે અને સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્રને વધુ સતર્ક કરવામાં આવ્યું છે. આવા સંજોગોમાં હર્ષ સંઘવી દ્વારા યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.










